બેઇજિંગ: ચીનના સ્પેસ સ્ટેશન તિયાંગોંગ-૧ સોમવારે ક્રેશ થયું હતું. સ્પેસ સ્ટેશન વિભાજિત થઇને દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં ખાબક્યું હતું. જોકે તેનાથી કંઈ નુકસાન થયું નથી. ચીનના સ્પેસ એન્જિનિયરિંગ ઓફિસના જણાવ્યા પ્રમાણે ૮ ટનનું તિયાંગોંગ ૧ના મોટાભાગના હિસ્સા સમુદ્રમાં પડયા તે પહેલાં જ હવામાં સળગી ઊઠયા હતા. સ્પેસ સ્ટેશનના ધરતીના વાતાવરણમાં આવવાથી કોઇ નુકસાનના એહેવાલ નથી. વિજ્ઞાનીઓએ કહ્યું હતું કે તિયાંગોંગ-૧ના પૃથ્વી પર કયા ચોક્કસ સ્થળે પડે એ અંગે કહેવું મુશ્કેલ હોય છે.
ચીને તિયાંગોંગ -૧ યાન ફક્ત બે વર્ષની સમયમર્યાદા સુધી કામ કરવા માટે બનાવાયું હતું. પહેલા ચીનની યોજના હતી કે એ સ્પેસ લેબને પૃથ્વીની કક્ષામાંથી બહાર કરી દેશે, જેથી તિયાંગોંગ જાતે જ અંતરિક્ષમાં ખતમ થઇ જાય. પરંતુ મે ૨૦૧૧થી માર્ચ ૨૦૧૬ સુધી લગભગ ૫ વર્ષ કામ કર્યા બાદ એ ચીની સ્પેસ એજન્સીના કંટ્રોલ બહાર નીકળી ગયું હતું. જેના કારણે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળે તેને પૃથ્વી ભણી ખેંચી લીધું હતું.