કાઠમાંડુઃ નેપાળના વર્તમાન વડા પ્રધાન કે. પી. શર્મા ઓલીને પદ પરથી ગમે ત્યારે હટાવાઈ શકે છે. વર્ષોથી મિત્ર દેશ રહેલા ભારત સાથે હાલના સમયમાં સંબંધોમાં તકરાર જોવા મળે છે અને કે. પી. શર્માનું વલણ તેના માટે જવાબદાર હોવાનું મનાઇ રહ્યું છે. વર્તમાન સત્તાધારી પાર્ટી નેપાળ કમ્યુનિસ્ટ પાર્ટી (એનસીપી) હાલ બે ફાટામાં વેચાઇ ગઇ છે. એક તરફ વર્તમાન વડા પ્રધાન કે. પી. શર્માના સમર્થકો છે જ્યારે બીજી તરફ પુષ્પકુમાર પ્રચંડના સમર્થકો છે. નેપાળના વડા પ્રધાનના પ્રવક્તા સૂર્યા થાપાએ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે સોમવારે આ અંગે મહત્ત્વની બેઠક યોજાવાની હતી જેને અંતિમ સમયે ટાળવામાં આવી છે. ટૂંક સમયમાં ફરી બેઠકનું આયોજન થઈ શકે છે. દરમિયાન જ્યારે સોમવારે બેઠક યોજાવાની હતી તે પહેલા જ ચીનના એક એમ્બેસેડર હુઓ યાંકીએ નેપાળની સત્તાધારી પાર્ટીના નેતા અને પૂર્વ વડા પ્રધાન માધવ કુમાર સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં ઓલીને ન હટાવવા માટે ચીને દબાણ કર્યું હોવાના અહેવાલો છે.
પ્રચંડાને પૂર્વ વડા પ્રધાન માધવ નેપાલ અને ઝાલાનાથ ખનાલનું સમર્થન છે, જેઓ ઘણા સમયથી ભારત વિરોધી વલણ ધરાવતા ઓલીના રાજીનામાની માગ કરી રહ્યા છે. જોકે ઓલીએ જ આ વિવાદની શરૂઆત કરી હતી, તેમણે સૌથી પહેલા પ્રચંડ પર પોતાને હટાવવાનો આરોપ લગાવ્યો હતો. જે બાદ બન્ને વચ્ચે વિવાદ શરૂ થઇ ગયો હતો.