વોશિંગ્ટનઃ હાર્વર્ડ યુનિવર્સિટીના કેમેસ્ટ્રી અને કેમિકલ બાયોલોજી વિભાગના વડા ચાર્લ્સ લાઈબરની અમેરિકન તપાસ એજન્સીએ તાજેતરમાં ધરપકડ કરી હતી. એ પછી કોર્ટે ૧૦ લાખ ડોલરના બોન્ડથી તેના જામીન મંજૂર કર્યા હતા. ચાર્લ્સ ઉપર આરોપ છે કે ચીન ચાર્લ્સનો સંશોધનની માહિતીના બદલામાં છેલ્લા પાંચ વર્ષથી દર મહિને ૬ લાખ ડોલર અને વાર્ષિક દોઢ લાખ ડોલરનો પર્સનલ ખર્ચ મંજૂર કરે છે.
હાર્વર્ડ યુનિવર્સિટીના વિજ્ઞાાની અને નેનો ટેકનોલોજીના પાયોનિયર ગણાતા ચાર્લ્સ લાઈબરની અમેરિકાની તપાસ એજન્સીએ ધરપકડ કરી હતી. એફબીઆઇનો આરોપ છે કે જ્યારે લાઇબર હાવર્ડ યુનિવર્સિટી સાથે કામ કરતા હતા ત્યારે જ વુહાન યુનિવર્સિટી પાસેથી આ રકમ મેળવતા હતા. ચાર્લ્સની ધરપકડ થઈ એ વખતે તેમના બે ચીની સ્ટુડન્ટ્સની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ બે ચીની વિદ્યાર્થીઓ તેમના રિસર્ચ આસિસ્ટન્ટ તરીકે કામ કરતા હતા. એ બે વિદ્યાર્થીઓમાં એક ચીની આર્મીનો જવાન હતો. બીજો ચીન જવા માટે ફ્લાઈટ પકડવાની તૈયારીમાં હતો ત્યારે પકડી લેવાયો હતો.
એફબીઆઈના દાવા પ્રમાણે આ વિદ્યાર્થી પાસે મહત્ત્વના બાયોલોજિકલ સેમ્પલ્સ પણ હતા. ચીનના થાઉઝન્ડ ટેલેન્ટ્સ પ્લાનના ભાગરૂપે આ રકમ આવી હોવાનું પ્રોફેસર લાઇબરે કહ્યું હતું. આ પ્રોગ્રામ હેઠળ ચીન વિશ્વના વિદ્વાનોને તેમના ટેલેન્ટેડ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાનો પ્રોજેક્ટ ચલાવે છે.