મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયાએ તેના વિક્ટોરીયા પ્રાંત સાથે જોડાયેલા ચીનના ફ્લેગશીપ બેલ્ટ એન્ડ રેલવે પ્રોજેક્ટ અંતર્ગત બૈજિંગ સાથે કરેલા બંને કરાર રદ કરી દીધા છે. તેને પગલે કાનબેરા ખાતે ચીની દૂતાવાસે ચીમકી આપી દીધી છે કે બંને દેશો વચ્ચે પ્રવર્તી રહેલા તંગદિલીભર્યા સંબંધો વધુ કથળશે.
ઓસ્ટ્રેલિયામાં નક્કી થયેલી નવી પ્રક્રિયા મુજબ વિદેશ પ્રધાન મેરિસ પાયને ઓસ્ટ્રેલિયાના રાજ્યો કે યુનિવર્સિટીએ અન્ય દેશો સાથે કરેલા કરારોની સમીક્ષા કરવાની સત્તા ધરાવે છે. પાયનેએ જણાવ્યું હતું કે તેમણે વિક્ટોરિયા રાજ્ય દ્વારા વર્ષ ૨૦૧૮ અને ૨૦૧૯માં ચીનના બેલ્ટ એન્ડ રોડ ફ્લેગશીપ યોજના અંતર્ગત બૈજિંગ સાથે જે બે કરાર થયા હતા તે સહિત ચાર કરારોને સમીક્ષા કરીને રદ કર્યા છે. તેમને લાગ્યું હતું કે તે ચારેય કરાર ઓસ્ટ્રેલિયાની વિદેશ નીતિથી વિપરીત છે.
દરમિયાન ચીની દૂતાવાસે ઓસ્ટ્રેલિયાના વિદેશ પ્રધાન દ્વારા લેવામાં આવેલા નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયાનો આ નિર્ણય અયોગ્ય અને ઉશ્કેરણીજનક છે. આ નિર્ણય કહે છે કે ઓસ્ટ્રેલિયાની સરકાર ચીન-ઓસ્ટ્રેલિયા સંબંધોને સુધારવાની દિશામાં પ્રામાણિક નથી.