ઈસ્લામાબાદઃ પાકિસ્તાનની સરકારે પ્રથમ વખત સ્વીકાર્યું છે કે ચીનના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ વન બેલ્ટ, વન રોડમાં પાકિસ્તાનને ફાયદાને બદલે નુકસાન છે.
બ્રિટિશ અખબાર ફાઈનાન્શિયલ ટાઈમ્સના એક અહેવાલમાં પાકિસ્તાનની નવી સરકારને ટાંકીને દાવો કરાયો હતો કે વન બેલ્ટ, વન પ્રોજેક્ટ પાકિસ્તાન માટે ખતરનાક છે. પાકિસ્તાનમાં બનેલી નવી સરકારે એવું સ્વીકાર્યું હતું કે આ કરાર એક તરફી છે અને માત્ર ચીનને તેમ જ ચીની કંપનીઓને જ ફાયદો થઈ રહ્યો છે.
પાકિસ્તાનને આ પ્રોજેક્ટથી કોઈ જ ફાયદો થતો નથી એટલે પાકિસ્તાન નવેસરથી આ કરારની ફેરવિચારણા કરશે. ઈમરાન ખાનના આર્થિક સલાહકાર અબ્દુલ રઝાકને ટાંકીને એ અહેવાલમાં લખવામાં આવ્યું હતું કે પાકિસ્તાનની અગાઉની સરકારે ચીની કંપનીઓને ટેક્સમાં પણ માતબર છૂટછાટો આપી છે અને વળી મોટાભાગનું કામ ચીની કંપનીઓના હાથમાં છે એટલે સરવાળે પાકિસ્તાનમાં એ પ્રોજેક્ટથી કોઈ જ આર્થિક લાભ થતો નથી. એટલે નવેસરથી વાટાઘાટો થશે.