બૈજિંગઃ ચીનના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે ૨૦૨૦ના અંત સુધીમાં કૃત્રિમ સૂર્ય બનાવી લેશે. આ સૂર્ય ૨૦ કરોડ ડિગ્રી સુધી ગરમી આપી શકશે. આ કૃત્રિમ સૂર્ય બનાવવા પાછળનું કારણ આપતા ચીનના વૈજ્ઞાનિકોનું કહેવું કે આ સૂર્યની મદદથી સ્વચ્છ અને અમર્યાદિત ઉર્જા મેળવવાની ગણતરી છે.
ચીનની સરકારી ન્યૂઝ એજન્સીના અહેવાલમાં એચએલ-૨ એમ ટોકામેક કંપનીનો દાવો ટાંકીને જણાવાયું છે કે ચીન ૨૦૨૦માં કૃત્રિમ સૂર્ય બનાવી લેશે અને તેને એક્ટિવ પણ કરી દેશે. આ આર્ટિફિશિયલ સૂરજ ૧૦થી ૨૦ કરોડ ડિગ્રી સેલ્સિયસ સુધીની ગરમી આપવા સક્ષમ હશે. ચીની વિજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે આ કૃત્રિમ સૂર્ય સ્વચ્છ ઉર્જા આપશે અને વળી અમર્યાદિત ઉર્જા પણ મળી રહેશે. અત્યારે સૂર્યની ઉર્જા ૧૦-૧૨ કલાક મળે છે, તેના બદલે આ કૃત્રિમ સૂર્ય જરૂરિયાત પ્રમાણે પ્રકાશમાન થશે.
અહેવાલ અનુસાર, ગયા જૂનમાં કોઈલ સિસ્ટમની ડિલિવરી થઈ પછી કૃત્રિમ સૂર્યના ઈન્સ્ટોલેશનનું કામ ઝડપભેર ચાલી રહ્યું છે. જો બીજું કોઈ વિઘ્ન નહીં આવે તો ૨૦૨૦માં કૃત્રિમ સૂર્ય સક્રિય થઇ જશે. આ સૂર્યમાં ઈંધણ તરીકે હાઈડ્રોજન અને ગેસનો ઉપયોગ થશે.
ચીનના ન્યૂક્લિયર કોર્પોરેશનના નેજા હેઠળ કાર્યરત ઈન્સ્ટિટયૂટ ઓફ ફિઝિક્સના વડા યુઆન જુરૂએ તો ત્યાં સુધી દાવો કર્યો હતો કે આ સૂર્ય ૨૦ કરોડ ડિગ્રી સેલ્સિયસ સુધી ઉર્જા આપવા સક્ષમ હશે.
ઉલ્લેખનીય છે કે અગાઉ ચીને કૃત્રિમ ચંદ્ર બનાવવાનું અભિયાન શરૂ કર્યું હતું. ચંદ્રને પણ ૨૦૨૦ સુધીમાં સક્રિય કરવાનું ચીનનું આયોજન છે. ૨૦૨૦માં ચીન તેની ધરતીને કૃત્રિમ સૂરજ અને ચાંદથી પ્રકાશિત કરે લેશે એવી આશા અખબારી અહેવાલમાં વ્યક્ત થઈ હતી.