અમદાવાદ
વિશ્વના નાના દેશોને દેવાની માયાજાળમાં ફસાવી નાદાર બનાવવાનો કારસો કરનાર ચીની ડ્રેગન પોતે બેંકિંગ અંધાધૂંધીમાં ફસાયો છે. એપ્રિલ મહિનાથી હેનાન અને એન્હુઇ પ્રાંતના લોકોને તેમના બેન્ક ખાતાઓમાં જમા બચતો ઉપાડવા પર રોક લગાવી દેવાઇ છે. ચીનના હેનાન પ્રાંતની યુઝોઉ શિનમિનશેંગ વિલેજ બેન્ક, શઆંગકાઇ હુઇમિન કન્ટ્રી બેન્ક, ઝેચેંગ હુંગહુઆઇ કોમ્યુનિટી બેન્ક, ન્યૂ ઓરિએન્ટલ કન્ટ્રી બેન્ક ઓફ કાઇફેંગ અને હેનાનના પાડોશના પ્રાંત એન્હુઇની ગુઝેન શિનહુએઇએ વિલેજ બેન્કના ખાતેદારોને એપ્રિલ મહિનાથી તેમની જમા રકમ ઉપાડવા પર રોક લગાવી દેવામાં આવી છે. એપ્રિલની શરૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે, સિસ્ટમ અપડેટ થઇ રહી હોવાના કારણે હાલ નાણા ઉપાડવા પર રોક લગાવી દેવાઇ છે પરંતુ તાજેતરમાં જ બેન્ક ઓફ ચાઇનાની હેનાન શાખાએ જાહેરાત કરી છે કે તેની બ્રાન્ચમાં ખાતેદારોએ જમા કરાવેલા નાણા ઇન્વેસ્ટમેન્ટ છે અને તેનો ઉપાડ કરી શકાશે નહીં.
બેન્ક ઓફ ચાઇનાની આ ઘોષણા બાદ ખાતેદારોમાં ઉગ્ર રોષની લાગણી વ્યાપી ગઇ હતી. જુલાઇના પ્રારંભથી તેઓ પોતાના નાણા પરત મેળવવા માટે બેન્કો સમક્ષ પ્રદર્શનો કરી રહ્યાં છે. તેના કારણે પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે છેલ્લા ઘણા સપ્તાહથી અથડામણો ચાલી રહી છે. થાપણો ઉપાડવા પરની રોકના કારણે આમ જનતાની અબજો યુઆનની બચતો સલવાઇ ગઇ છે.
બેન્કોનો ઘેરાવ કરી રહેલા ખાતાધારકોને હટાવવા માટે ચીની સરકારે પીપલ્સ લિબરેશન આર્મીની ટેન્કો બેન્કો ફરતે ગોઠવી દીધી છે. લોકોને ડરાવવા માટે ચીની સત્તાવાળાઓ હવે સેનાનો ઉપયોગ કરી રહ્યાં છે. આમ જનતામાં ભય છે. સેનાની હાજરીના કારણે તેઓને હવે તેમના નાણા માટે રાહ જોવા સિવાય અન્ય કોઇ વિકલ્પ રહ્યો નથી.
ચીનના ઇતિહાસનું સૌથી મોટું બેંકિંગ કૌભાંડ, રૂ. 47,000 કરોડની ચંપત
ચીનના ઇતિહાસનું આ સંભવિત સૌથી મોટું બેંકિંગ કૌભાંડ છે જેમાં રૂપિયા 47,000 કરોડથી વધુની ચંપત લગાવવામાં આવી . ચીનમાં તાજેતરમાં સર્જાયેલી બેંકિંગ કટોકટીમાં 40 બિલિયન યુઆન એટલે કે 6 બિલિયન અમેરિકન ડોલરની થાપણો અદ્રશ્ય થઇ ગઇ છે. હેનાનની સ્થાનિક પોલીસે છદ્મ લોનો દ્વારા નાણાની ઉચાપત કરનાર ક્રિમિનલ ગેંગના મુખિયા તરીકે લુ યી નામના શખ્સની શોધખોળ શરૂ કરી છે. સત્તાવાર તપાસમાં જણાવવામાં આવ્યું છે કે એક ખાનગી ઇન્વેસ્ટમેન્ટ કંપની શિનકૈફુ ગ્રુપ ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ કંપની પાંચ ધીરાણ આપતી બેન્કોમાં હિસ્સો ધરાવે છે. કંપનીએ બેન્કોના કર્મચારીઓ સાથેની મિલીભગતમાં ડિપોઝિટો ઉઘરાવીને ઉપજાવી કાઢેલા દસ્તાવેજો દ્વારા નાણા સગેવગે કરતાં પહેલાં ઓનલાઇન પ્લેટફોર્મ્સ દ્વારા ફાઇનાન્સિયલ પ્રોડક્ટ્સનું માર્કેટિંગ કર્યું હતું.
1.3 કરોડ લોકોએ હોમલોનના હપ્તા ભરવાનું બંધ કરી દીધું
ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ પહેલીવાર મિડલક્લાસના રોષનો સામનો કરી રહ્યાં છે. ચીનના 31માંથી 24 પ્રાંતના 1.3 કરોડ લોકોએ હોમ લોનના હપ્તા ભરવાનું બંધ કરી દીધું છે. તેમનો આરોપ છે કે બિલ્ડરો સમયસર પ્રોપર્ટીનું પઝેશન આપી રહ્યાં નથી. ચીનના 70 ટકા લોકો પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે જે અમેરિકાની સરખામણીમાં ઘણું વધુ છે. તેથી જિનપિંગને લોકોનો આ રોષ નવેમ્બરમાં યોજાનારી આગામી પ્રમુખપદની ચૂંટણીમાં ભારે પડી શકે છે.
ચીનમાં 4000 બેન્ક બંધ થવાના આરે, ખાતાધારકોના હજારો કરોડ રૂપિયા પર સંકટ
જનતાનો આરોપ છે કે સરકારની ઝીરો કોવિડ પોલિસીના કારણે તેમની બચતો સફાચટ થઇ ગઇ છે. દેશમાં 4000 બેન્ક બંધ થવાના આરે પહોંચી છે જેમાં ખાતાધારકોના હજારો કરોડ રૂપિયા ફસાઇ ગયાં છે. પોતાના નાણા મેળવવા માટે લોકો બેન્કો સામે ધરણા કરી રહ્યાં છે. હેનાનની ચાર બેન્કોના ખાતાધારકોને 15 જુલાઇથી 50,000 યુઆન ઉપાડવાની છૂટ અપાઇ હતી પરંતુ ઘણા ખાતાધારકો ઉપાડ કરી શક્યા નહોતા. હવે 25 જુલાઇથી એક લાખ યુઆનનો ઉપાડ કરવા દેવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં ગંભીર સવાલ એ છે કે શું ચીનની બેન્કો નાદારી નોંધાવશે?
શું ચીનમાં તાઇનામેન સ્ક્વેરનું પુનરાવર્તન થશે
1989માં ચીનમાં લોકશાહી તરફી આંદોલનને કચડી નાખવા માટે તત્કાલિન સત્તાધીશોએ તાઇનામેન સ્ક્વેર ખાતે એકઠી થયેલી જનમેદનની પર માતેલા સાંઢ જેવી સેનાની ટેન્કો છૂટી મૂકી દીધી હતી જેના કારણે ઓછામાં ઓછા 10,000 લોકો ટેન્કો નીચે કચડાઇ મર્યાં હતાં. હાલમાં તહેનાત કરાયેલી ટેન્કોને પણ ચીની જનતા તાઇનામેન સ્ક્વેરના પુનરાવર્તન તરીકે જોઇ રહી છે.