બિજિંગ-નવી દિલ્હીઃ ચીનમાં કોરોના વાઇરસથી મૃત્યુઆંક વધીને ૧,૭૭૫ થયો છે અને ૭૦,૫૪૮ લોકોને રોગનો ચેપ લાગ્યો છે. હુબેઈમાં પ્રાંતમાં સૌથી વધુ ૧,૯૩૩ કેસ નોંધાયા છે જ્યારે ૧૭મી ફેબ્રુઆરીએ એક જ દિવસમાં ૧૦૫થી વધુ મોત થયાં છે. છેલ્લા અહેવાલ પ્રમાણે આ રોગના ૨,૦૫૦થી વધુ નવા કેસ નોંધાયા છે.
ભારતની ચીનને મદદ
કોરોના ત્રસ્ત ચીનને મદદ અંગે ભારતે ૧૭મી ફેબ્રુઆરીએ જણાવ્યું છે કે, ભારત મેડિકલ સાધનો અને દવાઓ સાથેનું વિમાન ચીનનાં વુહાનમાં મોકલશે. જે ભારતીય નાગરિકો વુહાન કે ચીન હોય અને ભારત આવવા માગતા હોય તેમને બિજિંગ ભારતીય એલચી કચેરીનો સંપર્ક સાધવા કહેવાયું છે. બીજી તરફ વુહાનથી એક ભારતીય યુગલનો વીડિયો વાયરલ થયો છે. બંને તેમના એપાર્ટમેન્ટમાં એકલા જ છે. તેમણે બચાવવા માટે વીડિયોમાં અપીલ કરી હતી.
કેરળના દર્દીને રજા
કેરળમાં કોરોના વાઇરસથી સંક્રમિત વધુ એક દર્દીને તાજેતરમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતાં કેરળમાં કોરોના ગ્રસ્ત ત્રણેય દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ ચૂકી છે. જોકે આ દર્દીઓને તેમનાં ઘરે દેખરેખ પર રાખવામાં આવશે. ભારતમાં હવે કોરોના વાઇરસ સંક્રમિત એક પણ કેસ નથી.
ક્રૂઝે ૨,૦૦૦ પ્રવાસીઓને આઇફોન આપ્યા
કોરોના અંગે તબીબો સાથે સંપર્કમાં રહેવા તેમજ દવાઓની માહિતી માટે જાપાને તેના કિનારે લાંગરેલા ક્રૂઝ ડાયમન્ડ પ્રિન્સેસના ૨,૦૦૦ પ્રવાસીઓને આઇફોન્સ આપ્યા છે. આ ક્રૂઝમાં ૨૦૦થી વધુ પ્રવાસીઓને કોરોનાનો ચેપ લાગ્યો છે જેમાં ૨ ભારતીયોનો સમાવેશ થાય છે.
૧૪,૦૦૦થી વધુ મૃતદેહોના અંતિમ સંસ્કાર
૧૧મીએ એવી માહિતી પ્રસરી છે કે ચીની સરકાર મૃતકોની સંખ્યા છુપાવે છે અને એ મૃતદેહોને મોટી સંખ્યામાં બાળી રહી છે. ચીનમાં મૃતદેહને બાળવાનો રિવાજ નથી, પણ મૃતદેહની સંખ્યા વધુ હોવાથી આ રસ્તો અપનાવાઈ રહ્યો હોવાનું કહેવાય છે. અહેવાલો પ્રમાણે વુહાનમાં મોટી સંખ્યામાં મૃતદેહો બાળવાથી વુહાન પર ધુમાડાના ગોટેગોટા સેટેલાઇટ ઇમેજીસમાં જોવા મળ્યા છે. વુહાનમાં ૧૪,૦૦૦ મૃતદેહોના અંતિમ સંસ્કાર કરાયાની આશંકા છે.