બિજિંગઃ ચીન, વિશ્વમાં ખનિજ કોલસાનું સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ છે. તેથી ત્યાં કોલસાની ખાણમાં વિસ્ફોટ કે ખાણમાં અચાનક પાણી ભરાઈ જવાથી ખાણિયાઓના મૃત્યુની ઘટનાઓ પણ સૌથી વધુ બને છે. ચીના યોંગચુઆન પરગણાના લાઇઝુ શહેરની ચોંગક્યુંગ મ્યુનિસિપાલિટીના સત્તા ક્ષેત્રમાં આવતી જેન્શાંગાઉ નામની ખાનગી માલિકીની એક ખાણમાં સોમવારે સવારે ૧૧.૩૦ કલાકે વિસ્ફોટ થયો ત્યારે ૩૫ ખાણિયાઓ કામ કરી રહ્યા હતા જે પૈકી બેનો આબાદ બચાવ થયો હતો. જોકે ૩૩ ખાણકામદારો ફસાઈ ગયા હતા. ૧૫ જેટલા કામ પર જઇ રહેલા કામદારો પણ અટવાઈ ગયા હતા, પણ તેમનો બચાવ થયો હતો. ૮૦ જેટલા રાહતકર્મીઓએ ખાણના એક ખાડામાં તમામ ખાણમજૂરોના મૃતદેહ જોયા હતા. તમામ મૃતદેહો ખાણની બહાર કાઢતાં બે કલાક જેટલો સમય લાગ્યો હતો. તંત્ર દ્વારા અકસ્માતના કારણો અને સલામતી વ્યવસ્થા અંગે તપાસ જારી છે.