બીજિંગઃ ચીનમાં હવે રેલવેમાં અંધ પ્રવાસીઓને મુસાફરી દરમિયાન મુશ્કેલીઓ ઓછી થશે. આવા પ્રવાસીઓને તેમની સાથે માર્ગદર્શન આપતા શ્વાન લઈ જવાની મંજૂરી મળી છે. આ શ્વાન તેમને યોગ્ય દિશામાં જવામાં મદદ કરશે. ઉલ્લેખનીય છે કે વિશ્વમાં સૌથી વધુ પ્રજ્ઞાચક્ષુ લોકો ચીનમાં છે. તેમની મદદ માટે ચીને નવા નિયમ લાગુ કર્યા છે. આ અંતર્ગત ટિકિટ ખરીદતી વખતે પ્રજ્ઞાચક્ષુઓને જણાવવાનું રહેશે કે તેમણે સાથે શ્વાન લઈ જવો છે કે નહીં. ટ્રેન ઉપડવાના ૧૨ કલાક પહેલાં સુધી આ માહિતી આપી શકાશે. જે મુસાફરો અગાઉ ન જણાવી શકે તેઓ સ્ટેશન પર બનેલા એડવાન્સ સેન્ટરનો સંપર્ક કરી આ સેવાનો ઉપયોગ કરી શકશે.
પાકિસ્તાનમાં આતંકવાદીએ જેલમાં કન્ટ્રોલ રૂમ બનાવ્યોઃ પાકિસ્તાનની જેલમાં પણ આતંકવાદીઓને વિવિધ સુવિધા આપવામાં આવી રહી છે. આ માહિતી મીડિયાએ અધિકારીઓના હવાલાથી આપી હતી. ન્યૂ યોર્કમાં ‘ફ્રન્ટલાઇન’ના એક રિપોર્ટ મુજબ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તોઈબાનો ટેક્નોલોજી ચીફ ઝરાર શાહ પોતાના સહયોગી આતંકીઓ સાથે જેલમાંથી એવો જ કન્ટ્રોલ રૂમ ચલાવી રહ્યો છે જેવો ૨૬/૧૧ના હુમલા દરમિયાન કરાચીથી ચલાવતો હતો. જ્યારે લશ્કરનો ઓપરેશન કમાન્ડર ઝકી ઉર્ર રહેમાન લખવી લાહોર પાસે આઇએસઆઇના એક સલામત હાઉસમાં નિશ્ચિંત રહે છે.
આંતકવાદીઓ દ્વારા સફળ મિસાઈલ પરીક્ષણઃ આતંકવાદી સંગઠન- તહરિકે તાલિબાન પાકિસ્તાન દ્વારા મિસાઈલના સફળ પરીક્ષણનો દાવો કરવામાં આવ્યો છે. આ મિસાઇલને ઓમર-૧ નામ આપ્યું છે. દાવાના સમર્થનમાં પાકિસ્તાની તાલિબાનોએ મિસાઈલ પરીક્ષણ દર્શાવતો વીડિયો પણ પોસ્ટ કર્યો છે. વીડિયોમાં મિસાઇલ લોંચ કરતાં પહેલાં આતંકવાદીઓને મિસાઇલના વિવિધ પાર્ટ એસેમ્બલ કરતાં દર્શાવાયા છે. પાકિસ્તાની તાલિબાનના પ્રવક્તા મુહમ્મદ ખુરાસાનીએ જણાવ્યું હતું કે, ઓમર-૧ મિસાઇલને જરૂરિયાત પ્રમાણે એસેમ્બલ કરી શકાય છે. અમારા દ્વારા તૈયાર કરાયેલી મિસાઇલ દુશ્મનોને ચોંકાવી દેશે. અલ્લાહની રહેમથી તમે અમારા દુશ્મનોને નાસતા જોઈ શકશો. તાલિબાનના દાવાથી વિશ્વમાં ખળભળાટ મચ્યો છે.
અલ બગદાદી ગંભીર ઇજાગ્રસ્તઃ પશ્ચિમ ઇરાકમાં ઇસ્લામિક સ્ટેટ (આઇએસ)ના વડા અબુ બકર અલ બગદાદી હવાઇ હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હોવાનાં અહેવાલ છે. સૂત્રોએ જણાવ્યું છે કે, માર્ચમાં અમેરિકા અને તેના સાથી દેશ દ્વારા થયેલા હવાઇ હુમલામાં તે ગંભીર રીતે ઘવાયો હતો. પહેલા તો બગદાદીની ઇજાઓ ખૂબ ગંભીર હતી. પરંતુ પાછળથી તબિયતમાં સુધારા થયો હતો. પરંતુ હજુ પણ તે ઘાયલ જ છે અને આરામ કરી રહ્યો છે. તેણે સંગઠનની બાગડોર ફરીથી સંભાળી નથી. પહેલા તો આઇએસનાં નેતાઓ ભેગા થઇને નવા નેતાની શોધમાં લાગી ગયા હતા. કારણ કે, પહેલા એવું લાગતું હતું કે ઘાયલ બગદાદી વધુ નહીં જીવી શકે. અધિકારીઓએ એ વાતને પુષ્ટિ આપી છે કે સીરિયાની સરહદ નજીક આવેલા અલ-બાજ પર થયેલા ૧૮ માર્ચના હવાઇ હુમલામાં તે ઘવાયો હતો. હવાઇ હુમલા દ્વારા ત્રણ કારની કોન્વોય પર હુમલો કરાયો હતો. આ હવાઇ હુમલો કરનારને એ વાતની જાણ ન હતી કે આ કારમાં બગદાદી છે. બગદાદી આ વિસ્તારમાં છુપાઇને રહેતો હતો. આ વિસ્તાર મોસુલથી ૨૦૦ કિ.મી દૂર આવેલું છે.