બૈજિંગઃ ચીનમાં એક ડોકટરે 5000 કિમી દૂરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા દરદીના ફેફસાંમાંથી કેન્સરની ગાંઠ કાઢવાની સર્જરી કરી હતી. ડોકટરે ચીનમાં જ બનાવવામાં આવેલા ફાઇવ-જી સર્જિકલ રોબોટની મદદથી આ રિમોટ સર્જરી પાર પાડી હતી.
જોકે ભારતમાં ચીનની પહેલાં આવી રિમોટ શસ્ત્રક્રિયા થઇ ચૂકી છે. ગુરુગ્રામના ડો. એસ.કે. રાવલે 40 કિમી દૂર દિલ્હીના રોહિણી વિસ્તારમાં હોસ્પિટલમાં દાખલ દર્દીની સફળ સર્જરી કરી હતી.
ચીનમાં આ જાતના પહેલવહેલા રિમોટ ઓપરેશન વખતે સર્જન શાંઘાઈમાં હતા જ્યારે દર્દી પશ્ચિમ-ચીનના ઝિનઝિયાંગની હોસ્પિટલમાં હતો. શાંઘાઈની ચેસ્ટ હોસ્પિટલના અગ્રણી સર્જન લુઓ ક્વિન્ગકોને રિમોટ સર્જરી કર્યા બાદ જણાવ્યું હતું કે આ શસ્ત્રક્રિયાની સફળતાને લીધે હવે નાના ગામડામાં રહેતા દરદીએ મોટા શહેરોની હોસ્પિટલોમાં ઓપરેશન માટે જવાની જરૂર નહીં રહે. હોસ્પિટલમાં બેઠેલા સિનિયર ડોકટરો રોબોટની મદદથી આ સર્જરી કરી નાખશે.
શાંઘાઈ ડેઈલીના જણાવ્યા પ્રમાણે શાંઘાઈની હોસ્પિટલે ચીનમાં પહેલી વખત રોબોટની મદદથી રિમોટ સર્જરીમાં સફળતા મેળવી છે. આ હોસ્પિટલ છાતી ને ફેફસાંની બીમારીઓની અત્યાધુનિક પદ્ધતિથી સારવાર કરે છે. એટલું જ નહીં પણ રોબોટ ટેકનોલોજીનો તબીબી સારવાર ક્ષેત્રે ઉપયોગ થઈ શકે એ દિશામાં સતત સંશોધન કરે છે.
ભારતમાં પણ ડો.સુધીર શ્રીવાસ્તવે સ્વદેશી સર્જિકલ રોબોટ સિસ્ટમ વિકસાવી છે. આની મદદથી ડોકટર પેશન્ટથી દૂર હોય છતાં પણ રોબોટની મદદથી ઓપરેશન કરે છે. આ રોબોટ છૂટા પાડી શકાય એવાં પાંચ ડિટેચેબલ આર્મ ધરાવે છે. રોબોટની મદદથી હવે હાર્ટના ઓપરેશન પણ થવા માંડયા છે.