આજકાલ વિશ્વમાં પ્રદૂષણની સમસ્યા આખા વિશ્વમાં ફેલાઈ રહી છે ત્યારે ચીનમાં આજકાલ લોકો ઘરે બેસીને તાજી હવા લઈ રહ્યાં છે. તેમને બહાર ગયા વગર જ પહાડોની ઠંડી અને તાજી હવા પાર્સલ કરવામાં આવે છે. ચીનના જિનિંગ પ્રાંતમાં બેગમાં ફ્રેશ હવા ભરીને વેચવાનું કામ બે બહેનો કરતી હોવાની વીડિયો ક્લિપ ખૂબ જ વાયરલ અને પ્રખ્યાત પણ થઈ છે. આ બંને બહેનો હવા વેચતી હોવાના સમાચારે દુનિયામાં અજાયબી ફેલાવી છે. રિપોર્ટસ અનુસાર જિનિંગમાં રહેતી બે બહેનો રોજ રસ્તાના કિનારે પેકેટમાં તાજી હવા ભરીને લોકોને વેચે છે. એક પેકેટની કિંમત રૂ. ૧૫૦ છે. અત્યાર સુધીમાં તેમણે ૧૦૦થી વધુ બેગ્સ વેચી છે. તિબેટના પહાડી વિસ્તારોની તાજી હવા પેકેટ્સમાં હોય છે. હવાને પેકેટમાં ભરવાનું મિકેનિઝમ હજી સુધી જાણી શકાયું નથી. લોકોને પ્રદૂષણ અંગે જાગૃત કરવા આ બંને બહેનો હવા વેચી રહી છે. આ પહેલાં પણ કેનેડાની એક કંપનીએ પહાડોની તાજી હવા વેચવાનું શરૂ કર્યું હતું.