અઢી કરોડની વસ્તી ધરાવતું શાંઘાઈ ચીનનું સૌથી મોટું નગર છે. અહીં ગુજરાતી, બંગાળી અને ઉત્તર ભારતીયો ધંધાર્થે વસ્યા છે. તાજેતરમાં દુર્ગાષ્ટમી અને દશેરાની ભેગી ઉજવણીનો કાર્યક્રમ અહીંની બોલિવૂડ રેસ્ટોરાંમાં ઉજવાયો હતો. ચીનના બધાં મોટાં નગરોમાં ઈન્ડિયન રેસ્ટોરાં હોય છે. કેટલાક નગરોમાં પાંચ-પંદર ઈન્ડિયન રેસ્ટોરાં પણ હોય છે. અહીં ઈન્ડિયા એસોસિએશન અને બંગાળની સમાજના નેજા નીચે કાર્યક્રમ યોજાયો હતો. બંગાળી પ્રજા દુર્ગાષ્ટમીના તહેવારને ખૂબ મહત્ત્વ આપે છે. ઈન્ડિયા એસોસિએશનમાં પૂર્વ પ્રમુખ ચંદ્રિકા ચુનીલાલે માતાજીની આરતી કરી હતી. અહીં પણ કોરોનાની અસરને લીધે જાહેરમાં મોટા કાર્યક્રમો થતાં નથી. તેથી હોટેલના સભાખંડમાં જ માતાજીની મૂર્તિના સાંનિધ્યમાં ગરબામાં ભારતીય મહિલાઓ ઘૂમી હતી. કાર્યક્રમ પ્રસંગે બ્રાહ્મણ બોલાવીને પૂજા પણ યોજાઈ હતી. ભારતીય કાર્યક્રમમોમાં ભોજન પણ હોય જ!
ભારતીય પરિવેશ-પરિધાનમાં ગરબે ઘૂમતી ભારતીય મહિલાઓ ચીનીઓ માટે નવાઈ હતી. ભારત અને ચીન વચ્ચે બગડેલા સંબંધો ચીનમાં વસતા ભારતીયોને સ્થાનિક ધંધા અને સ્થાનિક મિત્રોમાં બાધક બનતા નથી. ચીનમાં ભારતીય વ્યાવસાયિકોના ધંધા પર એની અસર જણાતી નથી.