બીજિંગઃ ચીનમાં પહેલી જ વખત સુપર રિચની સંખ્યા એક મિલિયન (૧૦ લાખ)ને વટાવી ગયો છે. ચીનમાં ઇનોવેટિવ ઇન્ડસ્ટ્રી સેક્ટરમાં આવેલી તેજીને પગલે હાઇ નેટવર્થ ઇન્ડિવિડયુઅલની સંખ્યામાં તોતિંગ ઉછાળો થયો હોવાનું એક અહેવાલમાં જણાવાયું છે.
‘ચાઇના પ્રાઇવેટ વેલ્થ રિપોર્ટ’ના જણાવ્યા અનુસાર ચીનમાં સુપર રિચ વ્યક્તિઓની સંખ્યા ૧૦ લાખ ૪ હજાર પર પહોંચી ગઇ છે. આ આંકડો વર્ષ ૨૦૧૦ કરતાં બમણો છે. ‘શાંઘાઇ ડેઇલી’ના અહેવાલ પ્રમાણેની બેઇન એન્ડ કંપની અને ચાઇના મર્ચન્ટ્સ બેંક દ્વારા આ રિપોર્ટ તૈયાર કરાયો છે. ૨૦૧૨ અને ૨૦૧૪ વચ્ચે ચીનમાં રોકાણ કરી શકાય તેવી સંપત્તિમાં ૧૬ ટકાનો વધારો થયો હતો. આ રકમ ૧૧૨ ટ્રિલિયન યુઆન પર પહોંચી હતી. વર્તમાન નાણાકીય વર્ષના અંતે આ રકમ ૧૨૯ ટ્રિલિયન યુઆન પર પહોંચી જશે. નવા નવા સુપર રિચ બનેલા લોકોમાં મોટા ભાગના આઇટી, બાયોટેકનોલોજી અને ઓલ્ટરનેટિવ એનર્જી સેક્ટરો સાથે સંકળાયેલા છે અને તેમની ઉંમર ૫૦ વર્ષ કરતાં પણ ઓછી છે.
ચીનમાં ૧૦ મિલિયન યુઆન એટલે કે ૧.૬ મિલિયન અમેરિકન ડોલરથી વધુની રોકાણલાયક સંપત્તિ ધરાવતી વ્યક્તિને સુપર રિચ ગણવામાં આવે છે. આર્થિક નિષ્ણાતોના મતે, ચીનના સુપર રિચ દેશના વાસ્તવિક અર્થતંત્રના વિકાસનું પરિચાલન બળ છે. તેઓ અર્થતંત્ર અને આધુનિક રિસર્ચને વેગ આપી રહ્યાં છે.