નવી દિલ્હીઃ ચીનને વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવામાં મોટો હિસ્સો ધરાવતી વૈશ્વિક કંપનીઓ હવે ભારત તરફ વળી રહી છે. આમાં બે સૌથી મોટા કારણો જવાબદાર છે - એક તો, ચીનની અર્થવ્યવસ્થા સુસ્ત છે. અને બીજું, યુરોપ અને અમેરિકા સાથે તેનો તણાવ વધી રહ્યો છે. આવી સ્થિતિમાં વિકસિત દેશો ચીન પર તેમની નિર્ભરતા ઘટાડવા માંગે છે. તેથી વૈશ્વિક કંપનીઓ ચીનમાંથી તેમના ઉત્પાદન એકમોને ખસેડી રહી છે અને અન્ય દેશોમાં નવી ફેક્ટરીઓ સ્થાપી રહી છે.
ભારત માટે સારા સમાચાર એ છે કે આ કંપનીઓની પ્રથમ પસંદગી ભારત છે. જાપાની ફાઇનાન્શિયલ કંપની નોમુરાના જણાવ્યા અનુસાર ચીનમાં મેન્યુફેક્ચરિંગ બેઝ ધરાવતી 130 વૈશ્વિક કંપનીઓમાંથી મહત્તમ 28 ભારતમાં ઉત્પાદન સુવિધાઓ શરૂ કરવા માંગે છે. મતલબ કે દર ચોથી કંપની અહીં આવવા માંગે છે. આ મામલે વિયેતનામ બીજા સ્થાને અને મેક્સિકો ત્રીજા સ્થાને છે. રસપ્રદ વાત એ છે કે, જ્યારે 2019માં ચીનમાંથી વૈશ્વિક કંપનીઓનું સ્થળાંતર શરૂ થયું ત્યારે ચીન છોડવાની તૈયારી કરતી કંપનીઓની પ્રથમ પસંદગી વિયેતનામ હતી.
ટોચની પાંચ અર્થતંત્રમાં ભારતની ઝડપ સૌથી વધુ
નોમુરાનો અંદાજ છે કે વૈશ્વિક કંપનીઓ ભારતમાં આવવાથી, અહીંની નિકાસ 2030 સુધીમાં વધીને 835 બિલિયન ડોલર (આશરે રૂ. 70 લાખ કરોડ) થઈ શકે છે. આ વાર્ષિક ધોરણે 10 ટકા વૃદ્ધિ દર્શાવે છે. 2023માં ભારતે 431 બિલિયન ડોલર (આશરે રૂ. 36 લાખ કરોડ)ની નિકાસ કરી હતી. વિશ્વની 5 સૌથી મોટી અર્થવ્યવસ્થાઓની તુલનામાં ભારતનો જીડીપીદર સૌથી વધુ છે.