વોશિંગ્ટન: અમેરિકાએ એક રિપોર્ટમાં કહ્યું છે કે ચીન સરકાર અને પ્રશાસને નિર્દોષ નાગરિકોની ધાર્મિક સ્વતંત્રતા પર મોટી તરાપ મારી છે. ચીનમાં ધાર્મિક પ્રવૃત્તિઓ પર આકરા પ્રતિબંધો મુક્યા છે. સાથે જ ધર્મ સાથે સંકળાયેલા લોકોને ચીનની સત્તાધારી પાર્ટી દ્વારા ધાકધમકીઓ પણ મળી રહી છે. ૨૦૨૦ના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા રિપોર્ટમાં અમેરિકાએ કહ્યું છે કે અનેક ધાર્મિક લોકોને ચીન પ્રશાસન દ્વારા ઢોર માર મારવામાં આવ્યો છે, અનેક લોકોની હત્યાઓ પણ થઇ છે. કસ્ટડીમાં અનેક ધર્મગુરૂ કે તેમના સમર્થકો માર્યા ગયા છે. અનેક નિર્દોષ લોકોને ચીન સરકારે ધરપકડ કરી જેલમાં ધકેલ્યા છે. જે લોકો શાંતિપૂર્ણ રીતે ધર્મને અનુસરી રહ્યા હતા તેમને પણ નિશાન બનાવવામાં આવ્યા છે.
એટલુ જ નહીં, ચીન સરકારે ચીનમાં બાઇબલ, કુર્રાન જેવા ધાર્મિક ગ્રંથોના પ્રિન્ટિંગ પર પણ પ્રતિબંધ મુકી દીધો છે. તેના પ્રકાશન અટકાવવામાં આવ્યા છે. યુએસ રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ચીને ઇસ્લામિક, ખ્રિસ્તી, બુદ્ધિષ્ટ અને અન્ય ધર્મના સ્થળો પણ બંધ કરાવી દીધા છે. લઘુમતી ગણાતા મુસ્લિમોની ધરપકડો કરવામાં આવી છે અને અનેક લોકો પર ખોટા કેસો ઠોકી બેસાડાયા છે.