બૈજિંગઃ વાત તમને માન્યામાં આવે કે ના આવે, પણ ફોટોગ્રાફ્સ તો હેડિંગમાં લખ્યા પ્રમાણેની જ ઝલક રજૂ કરે છે. ચીનમાં લગભગ છેલ્લા લગભગ ત્રણ મહિનાથી આકરો હીટવેવ ચાલી રહ્યો છે. તેના લીધે 260થી વધુ વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીથી ઉપર છે, પણ આ દરમિયાન બનેલી ઘટનાએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. ચીનમાં કારોને ‘પેટ ઉપસી આવ્યું’ છે. જેના લીધે કેટલાક તેને ‘પ્રેગનન્ટ કાર’ તરીકે પણ ઓળખાવી રહ્યા છે.
વાસ્તવમાં કાર ઉપર ઉપસી આવેલા પેટનું કારણ તેના પર લાગેલો પ્રોટેક્ટિવ પેઈન્ટ છે. તે ગરમીના લીધે ધાતુની સપાટી છોડીને ફૂલી જાય છે. તીવ્ર ગરમીના લાંબા મોજાના કારણે કારના બોનેટ પર, સાઈડમાં, પાછળ અને પાછળની ડિક્કી પર જાણે ફુગ્ગો ફૂલ્યો હોય તેવી આકૃતિઓ ઉપસી આવી છે. આ જોઈ સમગ્ર વિશ્વના લોકો આશ્ચર્યચકિત છે. કારો પર લાગેલી પ્રોટેક્ટિવ ફિલ્મની તાપમાન સહન કરવાની એક ચોક્કસ ક્ષમતા હોય છે. જો આ ક્ષમતા કરતાં તાપમાન વધી થાય તો સપાટી છોડીને આ રીતે ફૂલી જાય છે. હાલમાં સોશિયલ મીડિયા પર આ પ્રકારના વીડિયોની ભરમાર છે. તેમાં આ રીતે ‘પેટ ફૂલેલી કાર’ જોવા મળે છે. અને લોકો તેને મજાકમાં ‘પ્રેગનન્ટ કાર’ પણ કહે છે. અખબારી અહેવાલો કહે છે કે આવું ફક્ત ચીનમાં જ થયું છે તેવું નથી. જર્મનીમાં પણ આ પ્રકારની ઘટનાઓ બની છે. આવી ઘટનાઓના લીધે ચીનના બજારમાં નકલી કાર પેઈન્ટ પ્રોટેકશન ફિલ્મ ચર્ચાનો વિષય બની છે.