બિજિંગઃ ચીનના ઝિનઝીયાંગ પ્રાંતમાં ઊભી કરાયેલી નિરાશ્રિતોની છાવણીના લીક થયેલા દસ્તાવેજોમાંથી જાણવા મળ્યું છે કે, વોકેશનલ એજ્યુકેશનના નામે ત્યાંથી લોકો ભાગી ના જાય એ માટે બબ્બે તાળા વાગે છે અને સતત તેમની પર નજર રખાય છે. જો કે ચીને આ આરોપોને નકારી કાઢ્યા હતા. ઇન્ટરનેશનલ કોન્સોર્ટિમ ઓફ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ (આઇસીઆઇજે)એ રવિવારે ૧૭ દસ્તાવેજો સમગ્ર વિશ્વમાં પ્રકાશિત કર્યાં હતા. દસ્તાવેજો અનુસાર, લગભગ દસ લાખ ઉઇગુર મુસ્લિમો અટકાયતમાં છે. એક દસ્તાવેજમાં જણાવાયું છે કે સ્થાનિક અધિકારીઓને ૨૪ કલાક અટકાયતીઓ પર નજર રાખવા કહેવાય છે. જો કોઈ શૌચાલયમાં જાય તો ત્યાં પણ તેમની પર વોચ રાખવી જેથી તેઓ તેઓ ભાગી ન જાય.
દસ્તાવેજો અનુસાર ત્યાં ફરજ બજાવતા કર્મચારીઓને અટકાયતીઓ સાથે નજીકના સબંધો નહીં રાખવા અને વધુ વાતો નહીં કરવા સૂચના અપાઈ હતી. આ દસ્તાવેજો ચીની છાવણીઓમાં વ્યવસાયી અભ્યાસક્રમો ચાલે છે તેવા સામ્યવાદી સરકારના દાવાઓને ખોટા પાડે છે. જોકે ચીનના કહે છે કે, મુસ્લિમો અને અન્ય વંશીય લાકો સ્વૈચ્છાએ અહીં શીખવા આવે છે.