સિએટલઃ માઇક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સે અને મેલિન્ડાના છૂટાછેડા માટે આમ તો કોઇ કારણ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ આ બહુર્ચિચત છૂટાછેડા પાછળ એક ૩૬ વર્ષીય ચીની યુવતીનું નામ સામે આવી રહ્યું છે. વહેતી થયેલી અફ્વાઓ મુજબ બિલ અને ચીનની અપરિણીત યુવતી જ્હે શેલી વાન્ગ વચ્ચે અફેર ચાલી રહ્યું છે.
જ્હે શેલી વાન્ગ ચીનથી અમેરિકા આવી છે અને હાલ તે અહીંના સિએટલ શહેરમાં રહે છે. જ્હે એક પ્રોફેશનલ ટ્રાન્સલેટર છે અને તે ગેટ્સ ફઉન્ડેશન, યેલ સ્કૂલ ઓફ મેનેજમેન્ટ અને હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ માટે પણ કામ કરી ચૂકી છે. ઉટાહમાં આવેલી બ્રિઘમ યંગ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરનાર જ્હે મેન્ડેરિન, ઈંગ્લિશ અને કેંટોનેસ ભાષાઓ પર સારું પ્રભુત્વ ધરાવે છે. કોરોનાકાળ પહેલાં તે અમેરિકા અને શાંઘાઇની ફ્લાઇટ્સમાં પણ કામ કરી ચૂકી છે.
જોકે અફ્વાઓને હવા મળતા જ જ્હે જાહેરમાં આવી છે અને તેણે ચીનના લોકપ્રિય સોશિયલ મીડિયા વાઇબુ પર પોતાનું નિવેદન મૂકીને આ અફ્વાઓનું ખંડન કર્યું છે. તેણે ચાઇનીઝ ભાષામાં લખ્યું છેઃ મારું માનવું હતું કે આ ધડમાથાં વગરની અફ્વા તેની મેળે શાંત પડી જશે. આ અફ્વા આટલી આગળ વધી જશે તેનો મને અંદાજ નહોતો. હું એ બધા લોકોનો આભાર માનું છું જેઓએ આ અફ્વાને શમાવવામાં મારી મદદ કરી અને આ ખરાબ સમયમાં મારો સાથ આપ્યો છે.
જ્હે વોન્ગની એક મિત્ર કહે છે કે તે ખૂબ જ મહત્ત્વાકાંક્ષી છે અને હંમેશાં પોતાને મોટિવેટ કરતી રહે છે તે સાચી વાત છે. જોકે હું એ વાતનો ક્યારેય વિશ્વાસ ના કરું કે તે બીજા લોકોના લગ્નજીવનમાં દખલ કરવાની કોશિશ કરી શકે છે.