હોંગકોંગ: પૂર્વ લદ્દાખમાં એલએસી પર ભારત - ચીનની સેનાઓ યુદ્ધ માટે તૈયાર છે ત્યારે ચીની રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગે પીપલ્સ લિબરેશન આર્મીને ૧૩મીએ યુદ્ધ માટે તૈયાર રહેવા આહ્વાન કર્યું હતું. ચીનની સરકારી ન્યૂઝ એજન્સી શિનહુઆએ જણાવ્યું હતું કે, દક્ષિણ ચીનના ગુઆંગડોંગ પ્રાંતમાં આવેલા મિલિટરી બેઝની મુલાકાત વખતે જિનપિંગે યુદ્ધની તૈયારી માટે તમામ ઊર્જા લગાવી દેવાની હાકલ કરી હતી. ચાઓઝોઉ શહેરમાં પીપલ્સ લિબરેશન આર્મી મરિન કોર્પ્સના ઇન્સ્પેક્શન દરમિયાન જિનપિંગે સૈનિકોને હાઇએલર્ટ રહેવા જણાવ્યું હતું.
જિનપિંગે કહ્યું હતું કે, ચીની સૈનિક વફાદાર અને વિશ્વાસપાત્ર બની રહે. બીજી તરફ લદ્દાખમાં એલએસી પર ૧૬૦૦૦ ફૂટની ઊંચાઇ પર ભારતીય સેના સામે બાથ ભીડવાનું ઉંબાડિયું ચીની સેનાને ભારે પડી રહ્યું છે. લદ્દાખની કાતિલ ઠંડીના પ્રારંભે જ ચીની સૈનિકોના વટાણા વેરાઇ ગયાં છે. ચીની સેના પેંગોંગ ત્સો લેક વિસ્તારમાંથી માંદા પડેલા સૈનિકોને હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડી રહી છે. અહેવાલો પ્રમાણે આ વિસ્તારમાં અંદાજે ૫૦૦૦ ચીની સૈનિકો તહેનાત હતા.
ચીનના બહાના ભારતે ફગાવ્યા
ચીને લદ્દાખમાં સર્જાયેલી લશ્કરી મડાગાંઠ માટે એલએસી પર ભારત દ્વારા માળખાકીય સુવિધા વિકસાવવા થઈ રહેલા પ્રયાસોને જવાબદાર ઠેરવતાં ભારતે ચીનની આ દલીલને ફગાવી દીધી હતી. ભારતે જણાવ્યું કે, પીપલ્સ લિબરેશન આર્મી તેની સરહદોમાં સતત રસ્તા અને સંદેશા વ્યવહાર નેટવર્કનું નિર્માણ કરતું રહ્યું છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જે પુલોનું ઉદ્ઘાટન કર્યું તે એલએસીથી દૂરના અંતરે છે. ભારત-ચીન વચ્ચે ચાલી રહેલી વાટાઘાટો દરમિયાન ચીને કદી માળખાકીય સુવિધાનો મુદ્દો નથી ઉઠાવ્યો તો પછી વાસ્તિવક અંકુશ રેખા નજીક જ પીએલએ દ્વારા ઊભા થયેલા રસ્તા, પુલ, ઓપ્ટિકલ ફાઇબર નેટ, સૌરઊર્જાથી સજ્જા કુટિરો અને ચીન દ્વારા ગોઠવવામાં આવેલા મિસાઇલનું શું? બીજી તરફ જોકે અમેરિકી કોંગ્રેસે તાઇવાનને ૩ એડવાન્સ વેપન સિસ્ટમ આપવાને મંજૂરી આપી છે. અમેરિકાએ ચીનની આકરો સંદેશો આપવા પોતાના યુદ્ધ જહાજો તાઈવાનની ખાડીમાં પણ મોકલ્યા હતા. જેથી ચીનના પેટમાં તેલ રેડાયું હતું. ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને જણાવ્યું હતું કે, અમેરિકા તાત્કાલિક તાઇવાન સાથેનો સોદો રદ કરી તાઇવાન સાથેના તમામ લશ્કરી સંબંધો કાપી નાંખે. તાઇવાન ક્યારેય ચીનની સામ્યવાદી પાર્ટીના શાસન હેઠળ રહ્યો નથી, પરંતુ ચીન તેને પોતાનો આંતરિક હિસ્સો ગણાવે છે. તાઇવાન માટે જરૂરી બનશે તો લશ્કરી પગલું લેતાં ખચકાઇશું નહીં તેવી ચેતવણી જિનપિંગ ઉચ્ચારી ચૂક્યાં છે. ચીનના વિરોધ છતાં ટ્રમ્પના શાસનમાં અમેરિકા અને તાઇવાન વચ્ચેના સંબંધ ગાઢ બન્યાં છે.
૧૮મી ઓક્ટોબરના અહેવાલો પ્રમાણે દક્ષિણ ચીનના અખબાર મોર્નિંગ પોસ્ટે સંરક્ષણ નિરીક્ષકોને ટાંકીને જણાવ્યું કે, ચીનની પીપલ્સ લિબરેશન આર્મી તાઇવાન પરના સંભિવત સૈન્ય આક્રમણની તૈયારીમાં છે. બિજિંગ આ વિસ્તારમાં તહેનાત જૂની ડીએફ-૧૧ અને ડીએફ-૧૫ મિસાઇલને દૂર કરીને હાઇપરસોનિક મિસાઇલ ડીએફ-૧૭ તહેનાત કરી રહ્યું છે. નવી મિસાઇલ લાંબી રેન્જ ધરાવે છે અને લક્ષ્યાંકને સચોટ રીતે વીંધી શકે છે. ચીનના ચેડા સામે અમેરિકા ઉપરાંત જાપાન પણ ચીન સામે લડી લેવાના મૂડમાં હોવાના સંકેત છે.
જાપાને તાજેતરમાં ૩૨૦૦ ટનની સબમરિન લોન્ચ કરી હતી. બીજા વિશ્વયુદ્ધ પછી જાપાને મોટાં શસ્ત્રોનાં ઉત્પાદન સાવ ઓછાં કર્યાં હતાં. જાપાનની આ સબમરિન લિથિયમ આયન (મોબાઈલમાં વપરાય એવી) બેટરી સંચાલિત છે, જે લિથિયમ બેટરી પર સબમરિન ચાલાવશે. જાપાન અને ચીન વચ્ચેના કેટલાક ટાપુઓ પર ચીન ગેરકાયદેસર દાવો કરે છે. તેના રક્ષણાર્થે જાપાને એક પછી એક આક્રમક પગલાં ભરવાની શરૂઆત કરી હોવાનું મનાય છે.