નવી દિલ્હી / વોશિંગ્ટનઃ ચીનની સરકાર સાથે જોડાયેલા હેકર્સ ગ્રૂપ દ્વારા ભારતમાં માલવેર દ્વારા મહત્ત્વની પાવર ગ્રીડ સિસ્ટમને ખોરવી નાંખવાની પેરવી કરવામાં આવી હતી. યુએસના મેસેચ્યુસેટ્સ ખાતે આવેલી કંપની રેકોર્ડેડ ફ્યૂચરે ચીન સરકાર અને તેના હેકર્સ ગ્રૂપનાં આ કાળાં કરતૂતોનો પર્દાફાશ કર્યો છે.
આ ગ્રૂપ દ્વારા કેટલીક સરકારી કંપનીઓ તેમજ સંરક્ષણ સંસ્થાને ટાર્ગેટ બનાવવા સતત પ્રયાસો થઇ રહ્યા છે. ચીનનાં હેકર્સ ગ્રૂપ દ્વારા ભારતની વીજળી ક્ષેત્રની ૧૦ મહત્ત્વની કંપનીઓ કે જેમાં ૪થી ૫ પ્રાદેશિક લોડ ડિસ્પેચ સેન્ટર્સ કે જે વીજળીની માંગ-પુરવઠાનું સંતુલન કરીને પાવર ગ્રીડની કામગીરી સંભાળે છે, તેને ટાર્ગેટ કરાઇ હતી. આ ઉપરાંત એનટીપીસી (નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન) તેમજ બે સી પોર્ટસને પણ ટાર્ગેટ કરાયા હતા. હેકર્સ ગ્રૂપે હેક કરેલા કુલ ૨૧ આઇપી એડ્રેસ મળી આવ્યા હતા, જેમાં ૧૨ વીજળી કંપની સાથે સંલગ્ન હતા.
બીજા અહેવાલ મુજબ, ચીનના હેકર્સ દ્વારા ભારતનાં વેકિસન ઉત્પાદકો સીરમ ઇન્સ્ટિટયૂટ તેમજ ભારત બાયોટેકને પણ ટાર્ગેટ બનાવાયા છે. એક સમાચાર સંસ્થાએ સાઈબર ઈન્ટેલિજન્સ કંપની સાયફર્માને ટાંકીને આ દાવો કર્યો છે. ગોલ્ડમેન સાક્સ સાથે જોડાયેલી સાયફર્માએ કહ્યું હતું કે, ચીની હેકિંગ ગ્રૂપ APT10 દ્વારા ભારતની સીરમ ઇન્સ્ટિટયૂટ તેમજ ભારત બાયોટેકનાં ઈન્ફ્રાસ્ટ્રકચરમાં ખામીઓને પારખીને તેનો ફાયદો ઉઠાવવામાં આવ્યો હતો.
APT10 હેકિંગ ગ્રૂપ સ્ટોન પાંડાનાં નામે જાણીતું છે. હેકર્સ ગ્રૂપે બંને કંપનીની સપ્લાય ચેઈનને હેક કરી હતી. સાયફર્માનાં સીઈઓ કુમાર રિતેશે કહ્યું હતું કે, સીરમ ઇન્સ્ટિટયૂટ કોરોનાની વેક્સિન બનાવે છે તે નોવાવેક્સ પણ બનાવવાની છે. હેકર્સે કંપનીનાં સર્વરમાં ખામીઓ શોધીને વેબ એપ્લિકેશન તેમજ કન્ટેન્ટ મેનેજમેન્ટને ટાર્ગેટ કર્યા હતા. હેકર્સ ગ્રૂપ APT10 ચીનનાં આંતરિક સુરક્ષા મંત્રાલય સાથે મળીને કામ કરે છે. આ બંને અહેવાલો સામે આવતા ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ સોમવારે નિવેદન આપ્યું કે, ચીન પર મુકાયેલા આરોપો પાણાવિહોણા છે.
મુંબઈમાં અંધારપટઃ ચીનની મેલી મુરાદનું ટ્રેલર
અમેરિકી કંપનીની રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ગયા વર્ષે મુંબઈમાં વીજળી પુરવઠો ખોરવાઈ જવાની અને અડધા મુંબઈમાં અંધારપટ સર્જવાની ઘટના ચીનની મેલી મુરાદનું ટ્રેલર જ હતું. આમ એક તરફ ભારતની સરહદોમાં ઘૂસણખોરી સાથે ભારતનાં મહત્ત્વનાં શહેરોમાં વીજળી પુરવઠો ખોરવીને અરાજકતા સર્જવાની ચીનની મેલી મુરાદ બહાર આવી હતી. ચીનના નામે ધમકી આપવાનું ખતરનાક કાર્ય કરતા હેકર્સ ગ્રૂપ દ્વારા ભારતનાં પાવર સેક્ટરને ટાર્ગેટ બનાવવામાં આવ્યા હોવાની સનસનાટીભરી વિગતો રિપોર્ટમાં રજૂ કરાઈ હતી. હેકર્સ ગ્રૂપની આ પ્રકારની પ્રવૃત્તિને ઓટોમેટેડ નેટવર્ક ટ્રાફિક એનાલિટિક્સ તેમજ એકસપર્ટ એનાલિસિસ દ્વારા અલગ તારવવામાં આવી હતી.
મુંબઈમાં ૧૨ ઓક્ટોબરે વીજળી પુરવઠો ઠપ થઈ જતા બ્લેકઆઉટ સર્જાયો હતો. લોકલ ટ્રેનો તેમજ શેરબજાર અને અન્ય બજારો તેમજ કંપનીઓની કામગીરી ઠપ થઈ હતી. આ ઘટના પાછળ ગ્રીડ ફેઈલ્યોરને જવાબદાર માનવામાં આવે છે પણ આ ગ્રીડ ફેલ્યોર ખરેખર તો ચીનનાં હેકર્સ ગ્રૂપનાં માલવેરનું પરિણામ હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે. તે દિવસે મુંબઈમાં ૨ કલાક માટે અંધારપટ સર્જાયો હતો.