બેઇજિંગ: ચીનમાં લઘુમતીઓના ધર્મસ્થળ માટે અનેક પ્રતિબંધ છે. 2018થી શરૂ કરેલી આ યોજના હેઠળ તાજેતરમાં અરબી શૈલીમાં બનેલી મસ્જિદના મીનારા હટાવી દઈને ચીની વાસ્તુ શૈલીમાં ઈમારતને ફેરવી નાખવામાં આવી છે. જિનપિંગ તરફથી આદેશ મળ્યા બાદ છેલ્લી મસ્જિદને પણ તોડી પાડવામાં આવી છે.
સાદિયનની ગ્રાન્ડ મસ્જિદ ચીનની સૌથી મોટી મસ્જિદોમાંની એક છે. જોકે આ મસ્જિદના ત્રણ ગુંબજને તોડી પાડવા હથોડાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ચીને માત્ર એક પ્રાંત શિનજિયાંગમાં જ 16 હજારથી વધુ મસ્જિદોનો સફાયો કરી નાંખ્યો છે. કેટલાક મુસ્લિમ દેશો કે જે ભારતીય મુસ્લિમો પર અત્યાચાર થઇ રહ્યો હોવાના નામે દુષ્પ્રચાર કરી રહ્યા છે, તેઓ ચીનની આ હરકત પર કોઇ નિવેદન આપી શક્યા નથી, તેની નિંદા કરી શક્યા નથી. ચીનનું મિત્ર પાકિસ્તાન પણ આ અંગે મૌન છે.
જિનપિંગ સરકાર મુસ્લિમોના ધાર્મિક સ્થળો ચીનની શૈલીમાં બનાવી રહી છે, અને આ માટે મસ્જિદો તોડી પાડવામાં આવી રહી છે. ગુંબજ અને મિનારા તોડી પાડવામાં આવ્યા છે. મસ્જિદોમાં જોવા મળતા લીલા રંગ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જૂની મસ્જિદ અરબી શૈલીમાં બનાવવામાં આવી હતી જ્યારે નવી મસ્જિદમાં અરબી શૈલીનું સ્થાપત્ય નાબૂદ કરવામાં આવ્યું છે. વાસ્તવમાં ચીને પોતાના દેશમાં ઈસ્લામને ધરમૂળથી બદલી નાખ્યો છે અને તેની સાથે જોડાયેલી દરેક વસ્તુને પણ બદલી નાખી છે.
ચીને કુરાન, મસ્જિદ, ઈસ્લામિક નામો, ધાડી, બુરખાનું સિનિકાઈઝ કર્યું છે. એટલે કે, તેઓએ આ બધું તેમની શૈલીમાં બદલ્યું છે. આ શ્રેણીમાં ઈસ્લામિક શૈલીમાં બનેલી દેશની મસ્જિદને પણ હટાવી દેવામાં આવી છે.