બૈજિંગ: ચીન સાથે જોડાયેલી 3488 કિમી લાંબી એલએસી ઉપર ઠંડાગાર વાતાવરણ વચ્ચે ભારતીય સેનાની સ્થિતિમાં બદલાવ ચાલી રહ્યો છે. ભારતીય સેનાની નજર ચીનના વેસ્ટર્ન થિએટર કમાન્ડ અને 20મી પાર્ટી કોંગ્રેસના એક મહિના પહેલા ચીની સેના તરફથી રિઝર્વનાં રૂપમાં બોલાવવામાં આવેલી ત્રણ સંયુક્ત સશસ્ત્ર બ્રિગેડની હિલચાલ ઉપર છે. ભારત અને ચીને સરહદે લાંબા સમયથી તનાવ પ્રવર્તી રહ્યો છે. આ દરમિયાન ચીની સેના પોતાના વેસ્ટર્ન થિએટર કમાન્ડને મજબૂત કરી રહ્યું છે. આ કમાન્ડ પાસે જ ભારત સાથેની સરહદની જવાબદારી છે.
ચીને 20મી પાર્ટી કોંગ્રેસના એક મહિના પહેલા ત્રણ સંયુક્ત સશસ્ત્ર બ્રિગેડને પૂર્વ અને દક્ષિણથી બોલાવીને એલએસી ઉપર તૈનાત કરી છે. ભારતીય સેના માટે આ એક ચિંતાની વાત બની શકે છે. ભયાનક ઠંડીમાં ભારતીય સેના એ વાત ઉપર મીટ માંડીને બેઠી છે કે ચીની બ્રિગેડ ઠંડીમાં પોતાના સ્થાને અડગ રહે છે કે બેઝ કેમ્પમાં પરત ફરી જાય. ચીનની એક બ્રિગેડમાં 4500 સૈનિકો સામેલ હોય છે, જેને રિઝર્વનાં રૂપમાં તૈનાત કરવામાં આવ્યા છે.
આ મામલે ભારતીય વિદેશ મંત્રી અગાઉ જ કહી ચૂક્યા છે કે દ્વિપક્ષીય સંબંધોને બહાલ કરવાની એકમાત્ર ચાવી છે એલએસી ઉપર શાંતિ અને સ્થિરતા. મે 2020માં પૂર્વ લદ્દાખમાં ચીનના અતિક્રમણ બાદ બન્ને દેશના સંબંધોને આંચકો લાગ્યો હતો.
ઇંડિયન આર્મી ચીફ પ્રમુખ મનોજ પાંડેએ ગત 12 નવેમ્બરે જ સ્પષ્ટ કરી દીધું હતું કે ચીન એલએસી ઉપર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારી રહ્યું છે તેમજ અકસાઈ ચીનમાં પણ સૈનિકોની સંખ્યામાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. બન્ને પક્ષ દ્વારા આગામી સમયમાં 17મા દોરની વાતચીત પણ થવાની છે. જોકે આ મામલે હજી સુધી કોઈ પણ જાહેરાત કરવામાં આવી નથી.
ચીનની મિસાઇલના નિશાને ભારત?
ચીની પીપલ્સ લિબરેશન આર્મીએ પોતાની જિન ક્લાસ સબમરિનને લાંબા અંતરની જેએલ-3 ઈન્ટરકોંટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઈલથી સજ્જ કરી છે. આ મિસાઈલની રેન્જ 10 હજાર કિમી સુધીની હોવાની સંભાવના નિષ્ણાતો વ્યક્ત કરે છે. મિસાઈલની આ ક્ષમતા જોતા તેનાં નિશાનમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને પ્રશાંત મહાસાગરમાં અમેરિકાનાં ઠેકાણાઓ હોઈ શકે છે.
મિસાઈલ તજજ્ઞ હેન્સ ક્રિસ્ટેન્સનનાં કહેવા અનુસાર જેએલ-3 મિસાઈલ એક સાથે અનેક વોરહેડ એટલે કે, વિસ્ફોટક શસ્ત્રો વહન કરી શકે છે. જો તેને દક્ષિણ ચીન સમુદ્રમાંથી દાગવામાં આવે તો તે પૂરા અમેરિકી મહાદ્વીપને આવરી લઈ શકે તેમ નથી. બોહાઈ સાગરમાંથી તેને દાગવામાં આવે તો પણ તે મહાદ્વીપનાં અમુક હિસ્સાને જ નિશાન બનાવી શકશે. આનાં હિસાબે આ મિસાઈલનાં મુખ્ય લક્ષ્ય ભારત, ઓસ્ટ્રેલિયા અને અમેરિકાનાં કેટલાક ઠેકાણા હોઈ શકે છે તેવું અનુમાન છે.