હરારેઃ ચીને ઝિમ્બાબ્વેને અપાયેલી વ્યાજમુક્ત લોન્સની માંડવાળ કરી હતી જેનો આંકડો જાહેર કરાયો નથી. આ સાથે ચીને ઝિમ્બાબ્વેની વર્તમાન દેવાં કટોકટીમાંથી બહાર નીકળવા સરકારને મદદ કરવાની બાંયધરી પણ આપી હતી. ઝિમ્બાબ્વેનું જાહેર ગેરન્ટીયુક્ત દેવું સપ્ટેમ્બર 2023 સુધીમાં 17.7 બિલિયન ડોલરનું હતું જેમાંથી 12.7 બિલિયન ડોલર બાહ્ય અને 5 બિલિયન ડોલર આંતરિક દેવું છે
ઝિમ્બાબ્વેનું મોટા ભાગનું દેવું ચીનનું છે કારણકે 20 કરતાં વધુ વર્ષ સુધી પેમેન્ટ પરત કરવામાં ડિફોલ્ટ થવાથી મલ્ટિલેટરલ ધીરાણકારો પાસેથી તેને ધીરાણ મળતું નથી. લાંબો સમય શાસન કરનારા રોબર્ટ મુગાબેનું છ વર્ષ અગાઉ પતન થયા પછી ઝિમ્બાબ્વે તેના દેવાંના રિસ્ટ્રક્ચરિંગની સમજૂતી કરવા હવાતિયા મારી રહેલ છે. જોકે, નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે લોન્સ માંડવાળ કરવાનું ચીનનું પગલું ઝિમ્બાબ્વેને કાયમી દેવાંના સકંજામાં ફસાવવાનું અને આફ્રિકામાં અમેરિકી પ્રભાવનો સામનો કરવા રાજકીય લીવરેજ હાંસલ કરવાનું છે. ચીન આવાં આક્ષેપોને નકારી રહ્યું છે.