ઇસ્લામાબાદ: ‘સીપેક’ તરીકે ઓળખાતા ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર પર વધી રહેલા આતંકી હુમલાને પગલે પાકિસ્તાની સુરક્ષાની પોલ ખુલ્લી પડી ગઈ છે. ચીને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફને સોય ઝાટકીને કહ્યું હતું કે સુરક્ષા પૂરી પાડવામાં પાકિસ્તાની સેના અને સુરક્ષા એજન્સીઓ નિષ્ફળ ગઈ છે. હવે સીપેકસ્થિત બલુચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વાહ રાજ્યોમાં ચીન પોતાની રેડ આર્મી તહેનાત કરશે. ચીનના રાજદૂત જિયાંગ જાયડોંગે શાહબાઝને રાષ્ટ્રપતિ શી જિનપિંગનો આ સંદેશો પહોંચતો કરી દીધો છે. એક સપ્તાહમાં બલુચ હુમલામાં ગ્વાદર પોર્ટ પર ત્રણ ચીની અધિકારી ઘવાયા છે જ્યારે ખૈબરમાં કબાઇલી હુમલામાં ચીનના પાંચ ઇજનેર માર્યા ગયા છે. પાકિસ્તાને પહેલાં પણ ચીની નાગરિકોને સુરક્ષા આપવાની ખાતરી આપ્યા છતાં હુમલા ન રોકાતાં ચીને નારાજગી દર્શાવી છે.