બિજિંગ: ચીને પાકિસ્તાન સાથે ૫૦ લશ્કરી સશસ્ત્ર ડ્રોન વિંગ લૂંગ-૨નો તાજેતરમાં સોદો કર્યો છે. ચીની મીડિયાએ દાવો કર્યો હતો કે પાકિસ્તાને મળેલાં આ ચાઈનીઝ ડ્રોન ઊંચાઈએ ભારતીય લશ્કર માટે પરેશાની સર્જશે. જોકે, ભારતીય અધિકારીઓના કહેવા પ્રમાણે ભારત આ ડ્રોનનો સામનો કરવા બિલકુલ સજ્જ છે.
ચીને પાકિસ્તાનને ૫૦ લશ્કરી સશસ્ત્ર ડ્રોન વેચ્યા છે. ચીની મીડિયાએ તો આ ઘટનાને બહુ જ મોટી ગણાવીને અહેવાલ રજૂ કર્યો હતો કે ભારતને ઊંચાઈ વાળા સ્થળોએ આ ડ્રોન પરેશાન કરી મૂકશે. ચીની મીડિયાએ ડંફાસ આગળ ચલાવતા લખ્યું હતું કે ભારતીય લશ્કર માટે આ ડ્રોન એક ખરાબ સ્વપ્ન જેવાં બની જશે.
આ ડ્રોનની ખાસિયત એ હોય છે કે તેમાં શસ્ત્ર તૈનાત રાખી શકાય છે અને એમાંથી જ હુમલો પણ કરી શકાય છે. ભારત પાસે મોટી સંખ્યામાં ડ્રોન છે, પરંતુ એ સર્વેલન્સ ડ્રોન છે. ઉલ્લેખનીય છે કે, ભારતે થોડા સમય પહેલાં જ અમેરિકા પાસેથી બે સશસ્ત્ર ડ્રોન લીઝ પર લીધા છે.
એ સિવાય પણ અમેરિકન સશસ્ત્ર ડ્રોનનો સોદો ભારતે કર્યો છે. ચીની મીડિયાના દાવા પ્રમાણે ભારત પાસે આ ડ્રોનનો કોઈ તોડ નથી એટલે ભારતને પરેશાની થશે.