મોસ્કોઃ શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ)ની બેઠક માટે રશિયાના પ્રવાસે પહોંચેલા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ચીનને રોકડું પરખાવ્યું છે કે ચીને એલએસી ક્ષેત્રમાંથી પીછેહઠ કરવી જ પડશે. ચોથી સપ્ટેમ્બરે તેમની મુલાકાત ચીનના સંરક્ષણ પ્રધાન વાઈ ફેંગ સાથે યોજાઈ હતી. આ મીટિંગ માટે ચીની સંરક્ષણ પ્રધાને જ વિનંતી કરી હતી. મે મહિનાથી ચાલી રહેલા ભારત-ચીન સંઘર્ષ પછી બન્ને દેશના નેતાઓ વચ્ચે આ પ્રથમ ઊચ્ચ કક્ષાની મીટિંગ હતી.
બેઠક દરમિયાન રાજનાથ સિંહે ભારપૂર્વક સ્પષ્ટ કર્યું હતું કે ચીને આ ક્ષેત્રમાંથી પાછું જવું જ પડશે. મીટિંગ દરમિયાન રાજનાથ સિંહના આક્રમક હાવભાવ ધરાવતી તસવીરો સામે આવી હતી. સોશિયલ મીડિયામાં આ તસવીરો ચર્ચાસ્પદ બની હતી અને ચીનને સ્પષ્ટ શબ્દોમાં કહેવા બદલ રાજનાથ સિંહની પ્રસંશા થઈ હતી.
એ પહેલા રાજનાથ સિંહે એસસીઓ અને અન્ય સુરક્ષા સમિતિઓની બેઠક સંબોધી હતી. એ દરમિયાન ચીની વિદેશ પ્રધાન વાઈ ફેંગની હાજરીમાં જ રાજનાથ સિંહે ચીનને કેટલાક મેણા માર્યાં હતા. રાજનાથ સિંહે કહ્યું હતું કે શાંતિ સ્થાપવી હોય તો પહેલા વિશ્વાસનું વાતાવરણ ઉભું કરવું જોઈએ. તેમણે પાકિસ્તાન પ્રેરિત આતંકવાદની પણ ટીકા કરી હતી.
એસસીઓ એ એશિયા અને યુરોપના દેશોનું સંયુક્ત સંગઠન છે અને ચીનના શાંઘાઈમાં ૨૦૦૧માં સ્થાપના થઈ હોવાથી તેના નામે ઓળખાય છે. તેની બેઠકમાં એસસીઓના આઠ સભ્ય દેશો અને અન્ય ઓબ્ઝર્વર રાષ્ટ્રો મળતા હોય છે.