સંયુક્ત રાષ્ટ્રઃ ચીને ફરી એક વખત આતંકવાદ મુદ્દે પાકિસ્તાનને ખુલ્લેઆમ સાથ આપ્યો છે. પાકિસ્તાનના લશ્કરે તોયબાના આતંકવાદી સાજિદ મીરને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરવાની માગ કરતા પ્રસ્તાવને બ્લોક કરી દીધો છે. એટલે કે ચીને પાકિસ્તાનના સાજિદ મીરને આતંકી માનવાની જ ના પાડી દીધી છે. જે પ્રસ્તાવને ચીને બ્લોક કરી દીધો છે તેના દ્વારા સાજિદ મીરને મોસ્ટ વોન્ટેડ આતંકવાદી જાહેર કરવાનો હતો. મીર એ જ આતંકી છે કે જે 2008માં મુંબઈમાં થયેલા હુમલાઓમાં આતંકી કસાબ અને તેના સાથીદારોને પાકિસ્તાનથી કમાન્ડ આપી રહ્યો હતો અને હુમલાના આદેશ આપતો હતો. મીર જ મુંબઈમાં પ્રવેશેલા આતંકીઓનો હેન્ડલર પણ હતો. ભારતે મીરને મોસ્ટ વોન્ટેડ આતંકી જાહેર કરી દીધો છે. જોકે, આંતરરાષ્ટ્રીય સ્તરે તેને મોસ્ટ વોન્ટેડ અને અને અમેરિકા સહિતના અનેક દેશોએ સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદ સમક્ષ રજૂ કર્યો હતો. જોકે, આ પ્રસ્તાવને ચીને અટકાવી દીધો છે. જો તેને સુરક્ષા પરિષદ દ્વારા મંજૂરી મળી ગઈ હોત તો મીરને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરીને તેની સંપત્તિ જપ્તી સહિતની કાર્યવાહી થઈ શકી હોત. મીર પર પાંચ અબજ ડોલરનું ઈનામ પણ જાહેર કરવામાં આવી ચુક્યું છે. મીર હાલ પાકિસ્તાનમાં છે અને પાક.ની એન્ટિ ટેરર કોર્ટ દ્વારા તેને 15 વર્ષની સજા પણ ફટકારવામાં આવી છે. એટલે કે પાકિસ્તાનની કોર્ટ પણ સ્વિકારી રહી છે કે મીર આતંકવાદી છે પણ ચીન તેનો સ્વીકાર કરવા માટે તૈયાર નથી. ચીને આ પ્રસ્તાવનો વિરોધ કરીને ભારત સાથે એક પ્રકારની અવળચંડાઈ પણ કરી છે.