સંયુક્ત રાષ્ટ્રઃ પાકિસ્તાનના દોસ્ત ચીને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ૨૮મીએ કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે. તેણે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટર, સુરક્ષા પરિષદના પ્રસ્તાવ અને દ્વિપક્ષીય સમજૂતિ મુજબ આ વિવાદનો શાંતિપૂર્ણ રીતે ઉકેલ લાવવો જોઈએ. ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ એ વાત પર પણ ભાર આપ્યો કે એવી કોઈ કાર્યવાહી ન કરવી જોઈએ કે જેથી એક તરફી પગલાથી હાલની સ્થિતિ બદલાઈ જાય. ભારત અને પાકિસ્તાન પડોશી હોવાથી ચીન ઇચ્છે છે કે આ વિવાદ યોગ્ય રીતે ઉકેલાય અને બન્ને તરફથી સંબંધોની શરૂઆત થાય.
આંતરરાષ્ટ્રીય સમુદાય કાશ્મીરની હાલત પર ધ્યાન આપશેઃ ઈમરાન
પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને એક ઇન્ટરવ્યૂમાં સ્વીકાર્યું છે કે કાશ્મીર મુદ્દે તેમનું અભિયાન વિશ્વનું બહુ ધ્યાન ખેંચી શકતું નથી પરંતુ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આંતરરાષ્ટ્રીય સમુદાય કાશ્મીર ખીણની સ્થિતિ અંગે ધ્યાન આપશે. કાશ્મીરના જાતે બની બેઠેલા રાજદૂત ઇમરાને કહ્યું કે જમ્મુ-કાસ્મીર મુદ્દે ભારત સરકારના નિર્ણય પછી તેમના પીએમ મોદીને મળવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી.