બેઈજિંગઃ કૃત્રિમ સૂર્ય અને ચંદ્ર બનાવ્યા પછી હવે ચીને પૃથ્વીના પેટાળમાં ઘૂસણખોરી કરવાનું શરૂ કર્યું છે. ચીનના વૈજ્ઞાનિકો દુનિયાના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ કરતાં પણ વધુ ઊંડું બાકોરું પૃથ્વીના પડમાં પાડી રહ્યા છે. માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ 29,032 ફૂટ છે જ્યારે ક્રૂડ ઓઈલથી સમૃદ્ધ શિનજિયાંગમાં ચીનના વૈજ્ઞાનિકો 32,000 ફૂટ ઊંડું કાણું પાડી રહ્યા છે. અહેવાલો મુજબ પાતળી શાફ્ટ 10થી વધુ મહાદ્વીપ અથવા ખડકોના પડ છેદીને પૃથ્વીની ક્રસ્ટમાં ક્રેટેસિયસ સિસ્ટમ સુધી પહોંચશે.
ચીનના મીડિયા અહેવાલો મુજબ વૈજ્ઞાનિકો જે અર્થ ક્રસ્ટ સુધી કાણું પાડી રહ્યા છે તે અર્થ ક્રસ્ટમાં મળનારા ખડકોની વય લગભગ 14.50 કરોડ વર્ષ છે. આ ખડકોની વયની ગણના રોક ડેટિંગની મદદથી કરાઈ છે. પૃથ્વી સુધી અત્યાર સુધીનું સૌથી ઊંડું માનવનિર્મિત બાકોરું રશિયન કોલ સુપરડીપ બોરહોલ છે. તેની ઊંડાઈ 12,262 મીટર એટલે કે 40,230 ફૂટ છે. રશિયાએ નોર્વેની સરહદ નજીક પેચેન્ગસ્કી જિલ્લામાં કોલા પેનિનસુલા પર મે 1970માં ડ્રિલિંગ શરૂ કર્યાના 20 વર્ષના પછી 1989માં 40,230 ફૂટ ઊંડો બોરહોલ કર્યો હતો.
રિપોર્ટ મુજબ ચીનના વૈજ્ઞાનિકોએ ચીનના સૌથી મોટા રણ તકલીમાન રણના અંતરિયાળ વિસ્તારમાં 30 મેથી પૃથ્વીમાં કાણું પાડવાનું શરૂ કર્યું છે, જે પૃથ્વી પર રશિયા પછી બીજું સૌથી ઊંડું કાણું હશે. ઉત્તર-પશ્ચિમ ચીનમાં આવેલા શિનજિઆંગ પ્રાંતમાં તરિમ બેઝીન ક્રૂડ ઓઈલથી સમૃદ્ધ હોવાનું મનાય છે. ચીન આ કાણાંની મદદથી પૃથ્વીની સપાટીની ઉપર અને અંદરની નવી મર્યાદાઓની શોધ કરી રહ્યું છે.
પૃથ્વીના પેટાળમાં કાણું પાડવામાં ઊભી થનારી સમસ્યાઓ અંગે ટીપ્પણી કરતા ચીનની એકેડમી ઓફ એન્જિનિયરિંગના વૈજ્ઞાનિક સન જિનશેંગે કહ્યું કે ડ્રિલિંગ પ્રોજેક્ટમાં આવનારી સમસ્યાઓની સરખામણી બે પાતળા સ્ટીલના કેબલ પર ચાલતા મોટા ટ્રક સાથે કરી શકાય છે. આ પ્રોજેક્ટ સાથે તાજેતરમાં જ સંકળાયેલા ટેકનિકલ નિષ્ણાત વાંગ ચુનશેંગે કહ્યું હતું કે, આ પ્રોજેક્ટ પૃથ્વી અંગે માણસની સમજને વધુ વિસ્તારશે. જોકે, ચીનના પ્રમુખ શી જિનપિંગ ઘણા સમય પહેલાં જ આ પ્રોજેક્ટ અંગે આશ્વસ્ત હતા. તેમણે વર્ષ 2021માં દેશના અગ્રણી વૈજ્ઞાનિકોને સંબોધન કરતા પૃથ્વીની શોધમાં વધુ ગતિ લાવવા જણાવ્યું હતું.
ચીનના પ્રમુખ જિનપિંગે કહ્યું હતું કે, આ પ્રકારના પ્રોજેક્ટ ખનીજ અને ઊર્જા સંશાધનોને શોધવામાં મદદ કરી શકે છે. આ સિવાય ભૂકંપ અને જ્વાળામુખી વિસ્ફોટ જેવી પર્યાવરણીય આપત્તીઓના જોખમોનું આકલન કરવામાં પણ મદદ મળી શકે છે. આ પ્રોજેક્ટનું નેતૃત્વ કરી રહેલા ચાઈના નેશનલ પેટ્રોલિયમ કોર્પ મુજબ આ પ્રોજેક્ટ પૃથ્વીની આંતરિક સંરચના પર ડેટા પૂરો પાડશે. સાથે જ ભૂમિગત ડ્રિલિંગ ટેકનિકોનું પરીક્ષણ પણ કરશે. આ પ્રોજેક્ટના ડ્રિલિંગમાં 457 દિવસનો સમય લાગવાની સંભાવના છે.