બેઇજિંગઃ ચીનનાં પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) દ્વારા ભારતની બોર્ડર પર પહેલી વાર વેસ્ટર્ન થિયેટર કમાન્ડ ખાતે એરફોર્સ કમાન્ડ ચેઈન તેમજ આર્મી એર ડીફેન્સ યુનિટ તહેનાત કરીને કમ્બાઈન્ડ એર ડીફેન્સ સિસ્ટમ ઊભી કરવામાં આવી છે. ચીનની સરકારનાં અખબાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે નવી જોઈન્ટ સિસ્ટમ એ વેસ્ટર્ન કમાન્ડ થિયેટર્સ દ્વારા યુદ્ધની તૈયારીઓનાં ભાગરૂપે ગોઠવવામાં આવી છે. જેમાં આર્મી અને એરફોર્સ બંનેની સિસ્ટમ યુધ્ધના સમયે સાથે મળીને કામ કરશે.
ભારત બોર્ડર પર મોટા પાયે સેનાનો ખડકલો
ચીનની વેસ્ટર્ન થીયેટર કમાન્ડ એ ભારતની સરહદે કામ કરે છે. જ્યાં મોટા પાયે સેનાનો ખડકલો કરવામાં આવ્યો છે. પૂર્વ લદાખમાં એક વર્ષ લાંબી મડાગાંઠ પછી પેંગોંગ ત્સો લેક ખાતેથી બંને દેશ દ્વારા આંશિક રીતે સેના પાછી ખેંચી લેવામાં આવી છે ચીનની સરકારનાં અખબારે કહ્યું હતું કે ભારતની સરહદે આ નવું ફોર્મેશન સંયુક્ત રીતે યુદ્ધ લડવા તેમજ સંયુક્ત રીતે સેનાને તાલિમ આપવા માટે મહત્વનું અને નક્કર પગલું છે. આ જોઈન્ટ સિસ્ટમને ક્યા ગોઠવવામાં આવી છે તેનાં લોકેશનને ગુપ્ત રાખવામાં આવ્યું છે.
આર્મી આધુનિક યુદ્ધ જીતવા સક્ષમ છે કે કેમ તેનું પરીક્ષણ
ચીનનાં પ્રેસિડેન્ટ શી જિનપિંગે અગાઉ ચીનની સેનાને કોઈપણ ક્ષણે અને કોઈ પણ સમયે યુધ્ધ માટે તૈયાર રહેવા હાકલ કરી હતી. આ પછી ગયા જાન્યુઆરીમાં આર્મી દ્વારા લશ્કરી તાલિમ અને કવાયત હાથ ધરવામાં આવી હતી.સંયુક્ત કવાયત દ્વારા આર્મી આધુનિક યુદ્ધ જીતવા સક્ષમ છે કે કેમ તેનું પરિક્ષણ કરાયું હતું.