નવી દિલ્હીઃ ચીને ૪૦૦ ડિટેન્શન કેમ્પમાં ઉઈઘુર મુસ્લિમોને ‘નજરકેદ’ કરીને તેમના પર ત્રાસ ગુજાર્યા હોવાના અહેવાલો બાદ ઉઇઘુર સમુદાયની સમસ્યાઓને વાચા આપવા કેમ્પેઈન ફોર ઉઇઘુર સંસ્થાની સ્થાપના કરનારા રુશાન અબ્બાસનું કહેવું છે કે, ચીને ઉઇઘુર સમુદાયના ૩૦ લાખને છાવણીઓમાં ગોંધીને રાખ્યા છે. બ્રિટન સ્થિત એશિયન લાઇટ ઇન્ટરનેશનલ માટે લખેલા વિશેષ અહેવાલમાં તેમણે કહ્યું કે, વંશીય કારણોસર ઉઇઘુર સમુદાય સાથે આ રીતનો વ્યવહાર થઇ રહ્યો છે. ઉઇઘુર સમુદાયના લાખો લોકો ચીની કારખાનાઓમાં લગભગ ગુલામની જેમ કામ કરે છે. આધુનિક યુગમાં ચીન ગુલામ પ્રથાને વિકસાવી રહ્યું છે.
અબ્બાસ કહે છે કે, આ વર્ષે સપ્ટેમ્બરમાં ચીની સરકાર દ્વારા મારી બહેન ડો. ગુલશન અબ્બાસનું અપહરણ કર્યાને બે વર્ષ થયાં છે. હું અમેરિકામાં ઉઇઘુરો માટે આંદોલન ચલાવું છું તેથી મારી બહેનનું અપહરણ થયું છે.
બીજી તરફ ઓસ્ટ્રેલિયન સ્ટ્રેટેજી પોલિસી ઈન્સ્ટિટયૂટે સેટેલાઈટ ઈમેજના આધારે દાવો કર્યો છે કે, ચીને ૪૦૦ ડિટેન્શન કેમ્પમાં ૮૦ લાખ ઉઈઘુર મુસ્લિમોને ‘નજરકેદ’ કર્યાં હતાં. રિપોર્ટમાં એવો પણ દાવો થયો હતો કે, ચીની સરકારે શિનજિંયાંગમાં સંખ્યાબંધ મસ્જિદો તોડી પાડી છે.
અહેવાલ મુજબ આ વિસ્તારમાં ડિટેન્શન કેમ્પ બનાવવાનું કામ છેલ્લાં બે વર્ષથી ચાલે છે. હજુય એ વિસ્તારમાં સતત બાંધકામ થાય છે અને વધારે ડિટેન્શન કેમ્પ બને છે. ચીનની સરકાર આ કેમ્પ ઉઈઘુર સમુદાયને એજ્યુકેટેડ કરવાના નામે બનાવી રહી છે. ચીની સરકારના કહેવા પ્રમાણે ઉઈઘુર સમુદાયનો સર્વાંગી વિકાસ થાય તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી રહી છે, પરંતુ હકીકતે તો આખા સમુદાયને નિશાન બનાવીને યાતના અપાય છે.