મામલ્લાપુરમ્ઃ ચીનના પ્રમુખ શી જિનપિંગની બે દિવસની ભારત મુલાકાતે દ્વિપક્ષીય સંબંધોમાં નવા યુગનો આરંભ કર્યો છે. યજમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મહેમાન પ્રમુખ જિનપિંગે અનૌપચારિક મંત્રણાના દોર બાદ આતંકવાદ અને કટ્ટરવાદનો સાથે મળીને સામનો કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે તો દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઇએ લઇ જવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. બન્ને નેતાઓ વચ્ચે બે દિવસમાં લગભગ સાત કલાક વન-ટુ-વન ચર્ચા થઇ હતી. દુનિયાભરના રાજદ્વારી નિષ્ણાતોની નજરનું કેન્દ્ર બની રહેલા જિનપિંગના ભારત-પ્રવાસના સમાપન વેળા મોદીએ કહ્યું હતું કે અમે મતભેદોના વિવેકપૂર્ણ ઉકેલ માટે તેમ જ એકબીજાની ચિંતા પ્રત્યે સંવેદનશીલ રહેવાનો નિર્ણય કર્યો છે.
વડા પ્રધાને કહ્યું કે, ‘ચેન્નઈ કનેક્ટ’ મારફત ભારત અને ચીનના સંબંધોમાં સહયોગનો એક નવો યુગ શરૂ થઈ રહ્યો છે. અનૌપચારિક બેઠકના બીજા અને અંતિમ દિવસે મામલ્લાપુરમના એક લક્ઝરી રિસોર્ટમાં જિનપિંગ સાથે પ્રતિનિધિ મંડળ સ્તરની વાતચીતમાં મોદીએ ભારત અને ચીન છેલ્લા ૨૦૦૦ વર્ષમાં મોટા ભાગનો સમય વૈશ્વિક આર્થિક શક્તિઓ રહ્યા હોવાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે ધીમે ધીમે અમે તે તબક્કા તરફ ફરી આગળ વધી રહ્યા છીએ.
ચીનના વુહાનમાં શી જિનપિંગ સાથે તેમની પહેલી અનૌપચારિક બેઠકના પરિણામોનો ઉલ્લેખ કરતાં મોદીએ કહ્યું, ‘વુહાનની ભાવનાએ અમારા સંબંધોને નવી ગતિ અને વિશ્વાસ આપ્યા છે. આ બેઠક બાદ બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક સંપર્ક વધ્યો છે.’
કાશ્મીર મુદ્દે ચર્ચા નહીં
બન્ને નેતાઓ વચ્ચેની બે દિવસની બેઠકમાં આતંકવાદ અને ધાર્મિક કટ્ટરવાદથી સમાજને સુરક્ષિત રાખવા માટે સાથે મળીને કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂકાયો હોવા છતાં કાશ્મીર મુદ્દે કોઈ ચર્ચા થઈ નહીં.
જોકે, જિનપિંગે તેમના ભારત પ્રવાસના ૪૮ ક્લાક પહેલાં પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાનના પ્રવાસ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ચર્ચા કરી હતી.
ઉલ્લેખનીય છે કે ઈમરાનના ચીનના પ્રવાસ વખતે ચીન અને પાકિસ્તાને સંયુક્ત નિવેદનમાં કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો હતો. ચીને બંને દેશોને પરસ્પર વાટાઘાટોથી આ વિવાદ ઉકેલવા અને ભારતને એકપક્ષીય નિર્ણય નહીં લેવા માટે સલાહ આપી હતી. જોકે, ભારતે તરત જ આ નિવેદન સામે વાંધો ઉઠાવીને કાશ્મીર ભારતની આંતરિક બાબત હોવાનું જણાવ્યું હતું.
વિદેશ સચિવ વિજય ગોખલેએ અહીં સંવાદદાતા સંમેલનમાં એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે પ્રમુખ જિનપિંગે વડા પ્રધાન મોદી સાથે પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાનના તાજેતરના ચીન પ્રવાસ અંગે ચર્ચા જરૂર કરી હતી. તેમણે જણાવ્યું કે બંને નેતાઓની વાતચીતમાં જમ્મુ-કાશ્મીરની સ્થિતિનો કોઈ ઉલ્લેખ નહોતો થયો.
ગોખલેએ કહ્યું હતું કે આ અંગે ભારતનો અભિગમ ચીનને પહેલાથી જ ખબર છે. તેમણે કહ્યું હતું કે બંને નેતાઓએ વિદેશ નીતિને સ્વાયત્ત બનાવવા અને દ્વિપક્ષીય સંબંધોને કોઈ ત્રીજા દેશના વિચારો અને દૃષ્ટિકોણથી સ્વતંત્ર રાખવાની જરૂરિયાત પણ સ્વીકારી હતી.
આંતરરાષ્ટ્રીય બાબતોમાં બંને નેતાઓએ બહુપક્ષીય મંચો પર સહયોગ વધારવાની આવશ્યક્તા અનુભવી અને યુનાઇટેડ નેશન્સમાં સુધારા અંગે વાત કરી.
મોદી-જિનપિંગે બંને રાષ્ટ્રોના સૈન્યો વચ્ચે પારસ્પરિક વિશ્વાસ વધારવા માટે આવશ્યક પગલાં લેવા સંમતિ દર્શાવી હતી. આ સંદર્ભમાં શી જિનપિંગે ભારતના સંરક્ષણ પ્રધાનને ચીનની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું.
પહેલ સારી છે: જિનપિંગ
ચીનના પ્રમુખ શી જિનપિંગે અનૌપચારિક બેઠકની મોદીની નવી ડિપ્લોમસીની પ્રશંસા કરતાં કહ્યું હતું કે બીજી અનૌપચારિક બેઠકમાં આગતા-સ્વાગતાથી તેઓ અભિભૂત થઈ ગયા છે અને તેમના માટે આ એક યાદગાર અનુભવ છે. જિનપિંગે કહ્યું કે ચીની મીડિયાએ બંને દેશોના સંબંધો પર ઘણું બધું લખ્યું છે. શીએ વુહાનમાં પહેલી અનૌપચારિક બેઠકનો ઉલ્લેખ કર્યો અને તેની ક્રેડિટ વડા પ્રધાન મોદીને આપી. શીએ કહ્યું, ‘વુહાનની પહેલ તમે કરી હતી અને તે ઘણો જ સારો પ્રયાસ સાબિત થઈ રહ્યો છે. ચીન અને ભારત એક-બીજાના મહત્ત્વના પડોશી છે. બંને દુનિયાના એકમાત્ર એવા દેશ છે, જેમની વસતી એક અબજથી વધુ છે.’
ડિનર ડિપ્લોમસી
વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ પ્રતિનિધિ મંડળ સ્તરની વાટાઘાટો પહેલાં મોદી અને જિનપિંગ વચ્ચે ફિશરમેન કોવ રિસોર્ટમાં આમને-સામને લગભગ એક ક્લાક સુધી વાતચીત થઈ, જેમાં દ્વિપક્ષીય સહયોગ વધારવા માટે સંબંધોને નવેસરથી સુધારવાના ઈરાદાના સ્પષ્ટ સંકેત અપાયા. બંને નેતા સમુદ્રકિનારે ટહેલતા ટહેલતા વાતો કરતા દેખાયા હતા.
જિનપિંગના ભારત પ્રવાસના પ્રથમ દિવસે શુક્રવારે બન્ને નેતાઓ વચ્ચે ડિનર દરમિયાન લગભગ અઢી ક્લાક વાતચીત થઇ હતી. બંને નેતાઓની ડિનર બેઠક નિશ્ચિત સમય કરતાં ઘણો લાંબો સમય ચાલી. તેમણે જણાવ્યું કે બંને નેતાઓએ વ્યાપાર ખાધ અને વેપારમાં અસંતુલન પર પણ વાતચીત કરી હતી.
ચીનના પ્રવાસીને પાંચ વર્ષના ઈ-વિઝા
મોદી-જિનપિંગ વચ્ચે અનૌપચારિક બેઠકના બીજા દિવસે ભારતે ચીનના પ્રવાસીઓ માટે મલ્ટી-એન્ટ્રી પોઇન્ટની સાથે પાંચ વર્ષના પ્રવાસી ઈ-વિઝા આપવાની જાહેરાત કરી હતી. બૈજિંગમાં ભારતીય દૂતાવાસ તરફથી જાહેર નિવેદનમાં જણાવાયું હતું, ‘ચીનના નાગરિકો માટે ઈ-ટુરિસ્ટ વિઝામાં અપાયેલી આ એકતરફી ઢીલ બંને દેશ વચ્ચે પરસ્પર સંપર્ક વધારશે.’ બીજી તરફ, પ્રમુખ શી જિનપિંગે કૈલાસ માનસરોવર જતા શ્રદ્ધાળુઓને વધુ સુવિધા પૂરી પાડવાની વાત કરી.
વેપાર-મૂડીરોકાણ માટે નવી વ્યવસ્થા
બંને દેશોમાં વેપાર, રોકાણ અને સેવાઓ પર ચર્ચા કરવા નવી વ્યવસ્થા ગોઠવાશે. આ વ્યવસ્થા ચીન તરફથી નાયબ વડા પ્રધાન હુ શિન્હુઆ અને ભારત તરફથી નાણાંપ્રધાન નિર્મલા સિતારમનના નિરીક્ષણમાં કામ કરશે. બેઠકમાં ભારતે ચીનના નેતૃત્વમાં રિજનલ કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક પાર્ટનરશિપ ટ્રેડ વાટાઘાટો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. નવી વ્યવસ્થા વેપાર, રોકાણ અને સેવાઓ અંગે ચર્ચા કરશે. આ ઉપરાંત લોકસંપર્કથી બંને દેશના સંબંધો સુધારવા પર પણ ધ્યાન કેન્દ્રીત કરાયું હતું. લોકસંપર્ક માટે બંને દેશોમાં ૩૫-૩૫ કાર્યક્રમો યોજાશે.
મામલ્લાપુરમ બીચ પર પીએમ મોદીનું પ્લોગિંગ
વડા પ્રધાન મોદી શનિવારે વહેલી સવારે મામલ્લાપુરમના દરિયાકિનારે મોર્નિંગ વોક દરમિયાન પ્લાસ્ટિક અને અન્ય કચરો ઉઠાવી બીચને સ્વચ્છ કરતા જોવા મળ્યા હતા. ટ્વીટર પર મોદીએ ત્રણ મિનિટનો એક વીડિયો શેર કર્યો હતો અને લોકોને જાહેર સ્થળોને સ્વચ્છ રાખવાનો અનુરોધ કરતા જોવા મળ્યા હતા. વીડિયોમાં મોદી બીચ પરથી પ્લાસ્ટિકનો કચરો અને અન્ય વસ્તુઓ ઉઠાવતાં દેખાય છે. મોદીએ ટ્વીટમાં લખ્યું હતુંઃ મામલ્લાપુરમમાં બીચ પર આજે સવારે ૩૦ મિનિટ સુધી પ્લોગિંગ કર્યું. બિચ પર એકત્ર કરેલો કચરો હોટેલના કર્મચારી જયરાજને આપ્યો. આપણા જાહેર સ્થળો સ્વચ્છ હોવા જોઈએ તેની આપણે ખાતરી રાખવી જોઈએ.' સવારે જોગિંગ કરતી વખતે પ્લાસ્ટિક બોટલ સહિતના નકામા કચરાને એકત્ર કરવાની પ્રવૃત્તિને પ્લોગિંગ કહે છે.