મિલાનઃ ઇટાલીના સાર્ડિનિયાના દરિયામાં એક તરવૈયાને મૂલ્યવાન ખજાનો હાથ લાગ્યો છે. સંસ્કૃતિ મંત્રાલયના જણાવ્યા અનુસાર, એક તરવૈયાને દરિયામાં સંશોધન દરમિયાન અઢળક સિક્કા મળ્યા છે. આ સિક્કાઓની સંખ્યા થોડીઘણી નહીં, 30 હજારથી 50 હજાર હોવાનું કહેવાય છે. આ સિક્કા એક સમયે રોમન સામ્રાજ્ય દરમિયાન ચલણમાં હતા. પુરાતત્વવિદોના મતે આ સિક્કા ચોથી સદી દરમિયાન બનાવાયા છે, પરંતુ હજુ પણ સંપૂર્ણપણે સચવાયેલા છે અને સારી સ્થિતિમાં છે. કેટલાક સિક્કાઓને નુકસાન જરૂર થયું છે, પરંતુ તેના પરનું લખાણ આજેય સુવાચ્ય છે. ઉચ્ચ અધિકારીના જણાવ્યા પ્રમાણે, આ એક સૌથી મોટી અને મહત્ત્વપૂર્ણ શોધ છે. શક્ય છે કે આ સિક્કાઓ કોઇ જહાજમાંથી સમુદ્રના તળમાં જઇ પહોંચ્યા હશે. આ પહેલાં પણ વર્ષ 2013માં યુરોપમાં રોમન સામ્રાજ્યના લગભગ 23 હજાર સિક્કા મળી આવ્યા હતા.