વિયેનાઃ ૧૮ દિવસની સતત ચર્ચા પછી વિશ્વના છ મહત્ત્વના દેશો- અમેરિકા, રશિયા, ચીન, બ્રિટન, ફ્રાન્સ, જર્મની અને ઇરાન વચ્ચે ઐતિહાસિક પરમાણું કરાર થયા છે. જે મુજબ ઇરાન પરમાણુ બોંબ નહીં બનાવે અને બદલામાં ઇરાન પર પશ્ચિમના દેશોએ લગાવેલા આકરા આર્થિક પ્રતિબંધોમાંથી રાહત આપવામાં આવશે. એક વરિષ્ઠ રાજદ્વારીએ જણાવ્યું હતું કે વોશિંગ્ટન અને તહેરાન અંતિમ અવરોધો દૂર કરવામાં સફળ રહ્યાં છે. કરાર અંતર્ગત સંયુક્ત રાષ્ટ્રના ઇન્સ્પેક્ટરો ઇરાનના કોઇપણ શંકાસ્પદ સ્થળની મુલાકાત લઇ શકશે. ઇરાન સંયુક્ત રાષ્ટ્રના નીરિક્ષકોને તેના સૈનિક પરમાણુ સંસ્થાનોની ચકાસણી કરવાની મંજૂરી આપશે. પરંતુ કરાર અંતર્ગત કોઇપણ લશ્કરી સ્થળની મુલાકાત લેવા માટે સંયુક્ત રાષ્ટ્રે કરેલી વિનંતીને પડકારવાનો ઇરાન પાસે અધિકાર રહેશે. આ મુદ્દે ઇરાન અને છ દેશોનું બનેલું લવાદી બોર્ડ નિર્ણય કરશે. જો ઇરાન કરારની શરતોનું ઉલ્લંઘન કરતું ઝડપાશે તો તેના પર ૬૫ દિવસમાં ફરી એકવાર પ્રતિબંધો લાદવામાં આવશે.