છપરાઃ બિહારના સરણ જિલ્લાનાં છપરા રેલવેસ્ટેશનથી મોટી સંખ્યામાં હાડપિંજર અને માનવખોપરીઓ ૨૮મીએ જપ્ત કરવામાં આવી હતી. ગવર્નમેન્ટ રેલવે પોલીસે (જીઆરપી) દ્વારા આ સંદર્ભે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ધરપકડ કરેલી વ્યક્તિની ઓળખ સંજયપ્રસાદ તરીકે કરવામાં આવી છે, જે બલિયા-સિલદાહ એક્સ્પ્રેસમાં પ્રવાસ કરતો હતો. પ્રારંભિક તપાસ મુજબ આ મામલે આ વ્યક્તિની પશ્ચિમ બંગાળને રસ્તે ભૂતાન થઈને ચીન જવાની યોજના હતી.
પોલીસના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ (રેલવે) મોહમ્મદ તનવીરે કહ્યું હતું કે જીઆરપીની ટીમે માનવખોપરીઓની દાણચોરીના આરોપમાં જીઆરપીએ સંજયપ્રસાદ(૨૯)ની ધરપકડ કરી છે, તેની પાસેથી ૩૪ હાડપિંજર અને ૧૬ માનવખોપરીઓ મળી છે. પોલીસે તેની પાસેથી કેટલીક બેન્કોનાં એટીએમ અને ભૂતાની મુદ્રા સહિત અન્ય ચીજવસ્તુઓ જપ્ત કરી છે. અન્ય પોલીસઅધિકારીએ કહ્યું હતું કે મેડિકલ સ્ટુડન્ટ્સમાં આ હાડપિંજરોની મોટી માગ હોય છે.