ટોરોન્ટો: કેનેડાના આલ્બર્ટાના રહેવાસી રોબર્ટ મૂરે એક અનોખો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. મૂરે હેન્ડલને સ્પર્શ કર્યા વિના જ સૌથી લાંબા અંતર સુધી સાઇકલ ચલાવીને આ રેકોર્ડ બનાવ્યો છે. તેણે હાથ પાછળ છોડીને 130.29 કિલોમીટર સુધી સાઇકલ ચલાવી હતી. આ પ્રકારનો અનોખો રેકોર્ડ સર્જવા માટે રોબર્ટ મુરે 5 કલાક 37 મિનિટનો સમય લીધો હતો. મૂરે વર્લ્ડ અલ્ઝાઈમર સોસાયટી માટે ભંડોળ એકત્ર કરવાના ભાગરૂપે આ કર્યું છે.
મૂરે કહે છે કે વર્લ્ડ રેકોર્ડ બનાવવાની સાથે સાથે હું અલ્ઝાઈમર પીડિતો માટે ફંડ એકઠું કરીને ખૂબ જ ખુશ છું. આ બીમારીને કારણે મેં મારી દાદી ગુમાવ્યા છે. તે આગળ જણાવે છે કે સાઈકલ ચલાવવાનો પહેલો કલાક ઉત્સાહના કારણે ઝડપથી પસાર થઈ ગયો. મૂર સાઇકલ ચલાવતી વખતે પગને મસાજ કરતો હતો. મૂરેનું ધ્યાન એક વાર ભટકી ગયું હતું અને તેના હાથ હેન્ડલ બાર તરફ આગળ વધ્યા હતા. જોકે તરત જ મૂરેને તેનો સંકલ્પ યાદ આવ્યો હતો અને તેના હાથ હેન્ડલ તરફ આગળ વધતા અટકી ગયા હતા.