કરાચીઃ પાકિસ્તાનના કરાચીમાં દાઉદ ઈબ્રાહીમના ખાસ સાગરિત ફારૂક દેવડીવાલાની હત્યા થઈ છે. મીડિયા રિપોર્ટ અનુસાર, ફારૂક દેવડીવાલાએ તેના બોસ દાઉદ ઈબ્રાહીમને મારી નાખવાનું કાવતરું ઘડયું હતું તેવો શક પડતાં છોટા શકીલે પાણી પહેલા પાળ બાંધીને ફારૂકની હત્યા કર્યાનું કહેવાય છે. ભારતીય અધિકારીઓએ ફારૂકની ગત વર્ષે દુબઈમાંથી ધરપકડ કરી હતી. પરંતુ તેને ભારત લાવી શક્યા નહોતા. જો ઈન્ટરપોલ કે બીજી કોઈ તપાસ એજન્સી દેવડીવાલાના મૃત્યુની પુષ્ટિ કરે તો તે પાકિસ્તાનમાં ઠાર થયેલો દાઉદના બીજો સાગરીત હશે. દાઉદના ખાસ છોટા શકીલને પાકો શક હતો કે ફારૂક દાઉદને મારવાનો પ્લાન ઘડી રહ્યો છે તેથી શકીલે જ્યારે ફારૂક પાસેથી સાચું જાણવા માગ્યું ત્યારે તે ગુસ્સે થઈ ગયો હતો અને ત્યાર પછી શકીલને લાગ્યું હતું કે ફારૂક વિશ્વાસ કરવાને લાયક રહ્યો નથી.
ફારૂક દેવડીવાલા ઈન્ડિયન મુજાહિદ્દીન વતી યુવાનોની ભરતી કરતો
ફારૂક દેવડીવાલા અનેક પ્રકારની ભારત વિરોધી ગતિવિધિઓમાં સંડોવાયેલો હતો. ફારૂક આતંકી સંગઠન ઈન્ડિયન મુજાહિદ્દીનમાં યુવાનોની ભરતી કરવાના કામમા લાગેલો હતો. જુલાઈ ૨૦૧૮માં ફારૂક નકલી દસ્તાવેજોને આધારે પાકિસ્તાન ચાલ્યો ગયો હતો. મીડિયાના અહેવાલ પ્રમાણે છોટા શકીલને ખબર પડી ગઈ હતી કે ફારૂકે દુબઈમાં ભારતીય અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને તે દાઉદની હત્યા કરવાનો પ્લાન ઘડી રહ્યો હતો.
૨૦૦૦માં પાક. ગેંગસ્ટર ફિરોઝ કોકાનીની હત્યા થઈ હતી. ફિરોઝ દાઉદ પ્રત્યે વેરઝેરની ભાવના ધરાવતો હોવાથી તેની હત્યા થઈ હતી. ફારૂક મુંબઈના જોગેશ્વરી વિસ્તારનો રહેવાશી હતો. અનેક સુરક્ષા એજન્સીઓ તેના પર ચાંપતી નજર રાખીને બેઠી હતી. ગોધરા કાંડ બાદ ગુજરાતના તત્કાલીન ગૃહ પ્રધાન હરેન પંડયા તથા બીજા કેટલાક લોકોની હત્યાની ફિરોઝનું નામ બહાર આવ્યું હતું.