જમ્મુ: જમ્મુ અને કાશ્મીરની પોલીસે કરેલી તપાસમાં યુરોપ સ્થિત ત્રાસવાદી સંગઠનો સાથે જમ્મુ-કાશ્મીરના ત્રાસવાદી સંગઠનો પણ જોડાયેલું હોવાનું બહાર આવ્યું છે. આ પર્દાફાશ અચાનક તે રીતે થયો કે જમ્મુ-કાશ્મીરની પોલીસે 30મી ઓક્ટોબરે બે ઘૂસણખોર ત્રાસવાદીઓને પકડી પાડ્યા હતા. તેઓ પાસેથી 4 પિસ્તોલ, આઠ મેગઝિન્સ તથા 47 રાઉન્ડ્સ પણ મળી આવ્યા હતા. તેઓની સઘન પૂછપરછ કરતાં તેમણે કબૂલ્યું હતું કે તેઓ પાકિસ્તાન તરફથી આવતાં ડ્રોન વિમાનો દ્વારા ફેંકાયેલા શસ્ત્રો અને વિસ્ફોટકો તેમના સાથીઓને પહોંચાડતાં હતાં.
આ અંગે વધુ તપાસ હાથ ધરતાં પોલીસને જાણવા મળ્યું હતું કે ડ્રોન દ્વારા બાસપુરા બંગલા વિસ્તારમાં તથા આરએસ પુરા નજીકની આંતરરાષ્ટ્રીય સરહદે પણ ડ્રોન દ્વારા શસ્ત્રો તથા વિસ્ફોટકો ફેંકવામાં આવે છે.
જમ્મુ અને કાશ્મીરના એડીશનલ ડિરેક્ટર ઓફ જનરલ ઓફ પોલીસ મુકેશસિંહે જણાવ્યું હતું કે બોઝ અને સમશેરસિંઘ નામના આ ત્રાસવાદીઓએ જણાવ્યું હતું કે તેમના કો-ઓર્ડીનેટર તો યુરોપમાં વસે છે. તેઓ બંને જમ્મુ સ્થિત ઓન ગ્રાઉન્ડ વર્કરના સતત સંપર્કમાં પણ રહે છે. તેમજ યુરોપ સ્થિત ત્રાસવાદી જૂથોના પણ સંપર્કમાં રહી સંકલનકારની પણ કાર્યવાહી બજાવી રહ્યા છે. તેમની સાથે એક ત્રાસવાદી બલવિંદર સિંઘ પણ જોડાયેલો છે જે આ બંને તથા યુરોપસ્થિત ત્રાસવાદી જૂથની કડીરૂપ છે. આ બલવિંદર જ અગ્રીમ સંકલનકાર છે.
પાકિસ્તાની આતંકી ઠારઃ 3 વર્ષમાં 543 આતંકી હણાયા
જમ્મુ-કાશ્મીરના કૂપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં સેનાએ આતંકી સંતાયો હોવાની બાતમીના આધારે સોમવારે ઘેરાબંધી કરીને એક પાકિસ્તાની આતંકવાદી ઠાર માર્યો છે. શોપિયાંમાં પોલીસે 24 કલાકમાં 3 આતંકીઓને ઝડપી લીધા છે. તેમની ઊલટતપાસમાં અનેક મહત્ત્વની જાણકારી મળી છે. જમ્મુ કાશ્મીરમાં પોલીસ અને સેના તથા સુરક્ષા દળોએ છેલ્લા ત્રણ વર્ષમાં 543 આતંકવાદીઓ ઠાર માર્યા છે. કૂપવાડા જિલ્લાના કેરન વિસ્તારમાં આતંકવાદી સંતાયો હોવાની બાતમી મળતાં જ સેનાએ સમગ્ર વિસ્તારમાં ઘેરાબંધી ચાલુ રાખીને કોમ્બિંગ ઓપરેશન ચાલુ રાખ્યું છે. પાકિસ્તાન સરહદેથી ભારતમાં ઘૂસણખોરી કરી રહેલા કેટલાક આતંકવાદીઓ સેનાએ ફાયરિંગ કરતાં ભાગી ગયા હતા.