ઇસ્ટ કેલિફોર્નિયાના વ્હાઇટ માઉન્ટેનમાં આવેલું આ વૃક્ષ મેથુઝેલા (ગ્રેટ બેઝિન બ્રિસ્ટલકોન પાઇન) દુનિયાના સૌથી પ્રાચીન જીવિત વૃક્ષ હોવાનું બહુમાન ધરાવે છે. અને તેની ઉંમર ૪૮૫૧ વર્ષ કહેવાય છે! બ્રિસ્ટલકોન પાઇન પ્રજાતિના અહીં કેટલાક બીજા પણ વૃક્ષ છે. જેમની ઉંમર એકાદ હજાર વર્ષ કરતાં પણ વધુ છે. જોકે, આ પ્રજાતિનું એક અન્ય વૃક્ષ પ્રોમેથિઉસની ઉંમર તેના કરતા પણ વધુ લગભગ ૪૮૬૨ વર્ષ હતી. પરંતુ ૧૯૬૨માં આ વૃક્ષ કાપી નંખાયું હતું. ૧૯૫૭માં યુનિવર્સિટી ઓફ એરિઝોનાના પ્રોફેસર એડમુન્ડ શુલમેને ટ્રી રિંગ ટેક્નિકથી આ વૃક્ષની ઉંમર ગણી હતી. આ વૃક્ષ સલામત રહે તેના માટે તેનું વાસ્તવિક લોકેશન ગુપ્ત રાખવામાં આવ્યું છે, કેટલાક ખાસ લોકો જ આ અંગે જાણે છે.