નવી દિલ્હીઃ ભારતીય સેનાએ સ્પષ્ટ કર્યું છે કે આતંકવાદનો સફાયો કરવા માટે સેનાની ત્રણેય પાંખો તૈયાર છે અને તે માટે જરૂર પડશે તો પાકિસ્તાનને આકરો જવાબ પણ આપવામાં આવશે. પાકિસ્તાનમાં ઘૂસીને ભારતીય વાયુસેનાએ કરેલી એર સ્ટ્રાઈક બાદ ગુરુવારે - ૨૮ ફેબ્રુઆરીએ સેનાની ત્રણેય પાંખે સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં સેનાએ પાક.ના જુઠ્ઠાણાંઓનો પર્દાફાશ કર્યો હતો.
એર માર્શલ આર.જી.કે. કપૂરે કહ્યું હતું કે પાક. એરક્રાફ્ટ્સે ભારતીય વાયુ હવાઈ સરહદનું ઉલ્લંઘન કર્યું હતું, પરંતુ આપણા સૈન્ય મથકોને કોઈ નુકસાન પહોંચાડી શક્યા નથી. અમે વિંગ કમાન્ડર અભિનંદનની સ્વદેશ વાપસીના એલાનથી અત્યંત ખુશ છીએ. તેમણે ઉમેર્યું કે અમે એક મિગ-૨૧ ગુમાવી દીધું છે, પરંતુ જવાબી કાર્યવાહીમાં પાકનું એફ-૧૬ વિમાન તોડી પાડ્યું છે. જેના પુરાવા પણ પ્રેસ કોન્ફરન્સમાં રજૂ કરાયા છે. અમે આતંકી કેમ્પોને જ નુકસાન પહોંચાડ્યું છે, તેના નક્કર પુરાવા અમારી પાસે છે.
ઉલ્લેખનીય છે કે પાકે. ૨૭ ફેબ્રુઆરીએ ભારત પર હુમલા માટે એફ-૧૬ વિમાનનો ઉપયોગ કર્યો હતો. જ્યારે પાકિસ્તાન માત્ર આતંક સામે જ આ વિમાનનો ઉપયોગ કરી શકે છે. સેનાએ સ્પષ્ટ કર્યું હતું કે પાક. સરહદ ઉપર સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે. તેણે કહ્યું કે જો પાક. આતંકવાદ સામે પગલું નહીં ભરે તો અમે જવાબી કાર્યવાહી કરીશું.
પાકિસ્તાનની બદમાશી
ભારતીય સેનાએ કહ્યું કે પાકે. એફ-૧૬ વિમાનનો ઉપયોગ કરીને ભારતમાં મિસાઈલ છોડી હતી. સેનાએ પાક.ના કાવતરાંને નિષ્ફળ બનાવીને AMRAAM મિસાઈલના પુરાવા દેખાડ્યા હતા. ઉલ્લેખનીય છે કે અમેરિકાએ પાકિસ્તાનને એ શરતે એફ-૧૬ વિમાન આપ્યું હતું કે તે તેનો ઉપયોગ આતંકવાદ સામે કરશે. આમ, હવે પાક.ની દગાખોરી ફરી સામે આવી છે. તેણે સંધિની શરતોનું ઉલ્લંઘન કર્યું છે. આ ઉપરાંત, પોતાના વિમાનના કાટમાળને ભારતના તૂટેલા વિમાન તરીકે દેખાડવાનું તેનું જુઠ્ઠાણું પણ પકડાઈ ગયું છે.