જર્મની યુનિવર્સિટી દ્વારા કંઈ ન કરવા માટે ૧૬૦૦ યુરોની સ્કોલરશીપ

Thursday 03rd September 2020 07:22 EDT
 
 

હેમ્બર્ગ: જર્મન યુનિવર્સિટીએ કંઈ ન કરવા માટે વિદ્યાર્થીઓને ૧૬૦૦ યુરો (આશરે ૧૫૫૦ પાઉન્ડ)ની સ્કોલરશીપ આપવાની જાહેરાત કરી છે. જર્મનીના હેમ્બર્ગસ્થિત યુનિવર્સિટી ઓફ ફાઇન આર્ટ્સે જાહેરાત કરી છે કે એક ખાસ પ્રોગ્રામ અંતર્ગત તે એવા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવા માગે છે જેઓ સક્રિય રીતે નિષ્ક્રીય રહેવા સંમત હોય. આ માટે વિદ્યાર્થીએ ૧૫ સપ્ટેમ્બર સુધીમાં ફોર્મ ભરવાનું રહેશે.
આ અનોખી સ્કોલરશીપ યુનિવર્સિટીએ એક રિસર્ચના ભાગરૂપે જાહેર કરી છે. આ સ્કોલરશીપ માટે અરજી કરનારે બે સવાલોના જવાબો આપવાના રહેશે. પહેલો પ્રશ્ન એ છે કે તમે શા માટે આમ કરવા માગો છો? અને બીજો પ્રશ્ન એ છે કે તમે જે કામ કરવા નથી માગતા તે ન કરવા પાછળનું કારણ શું છે? જે વિદ્યાર્થીઓ આ સવાલના સંતોષકારક જવાબ આપશે તેને ૧૬૦૦ યુરોની ગ્રાન્ટ મળશે. આ અનોખી શિષ્યવૃત્તિ ડિઝાઈન કરનારા પ્રોફેસર ફ્રેડરિક વોન બોરિસે જણાવ્યું હતું કે મહાત્વાકાંક્ષા ન હોય એવા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને આ સ્કોલરશીપ તૈયાર કરાઈ છે. શિક્ષણના વર્ષ દરમિયાન કંઈ ન કરવું એ પણ એ પ્રકારનું અલગ માનસ છે. આ માનસિક્તાનો અભ્યાસ કરવા માટે આ ફંડ અપાઈ રહ્યું છે. તેનાથી આળસ કરતા વિદ્યાર્થીઓનું કામ ન કરવા પાછળનું માનસ સમજી શકાશે.
પ્રોફેસરે કહ્યું હતું કે નિષ્ક્રિય રહેતા વિદ્યાર્થીઓ માટે એક શરત એ પણ રહેશે કે તેમણે નિષ્ક્રિય રહેવાનું કારણ આપવાની સાથે સાથે દિલચસ્પ રીતે નિષ્ક્રિય રહેવાનો પ્લાન જણાવવો પડશે. તેમણે કહ્યું હતું કે સફળતા અને નિષ્ફળતા વચ્ચે મોટા ભાગે આળસનું ફેક્ટર મહત્વનો ભાગ ભજવે છે. આ પરિબળ પાછળના કારણો સમજવા માટે સ્કોલરશીપ ઉપયોગી સાબિત થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter