હેનોવરઃ ભારતને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાના પ્રયાસને નક્કર સ્વરૂપ આપતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે જણાવ્યું હતું કે ભારતમાં ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનવાની તમામ ક્ષમતા છે. ફક્ત જર્મની જ નહીં, સમગ્ર વિશ્વ ભારત તફ મીટ માંડી રહ્યું છે.
વડા પ્રધાન મોદી રવિવારે બપોર બાદ ફ્રાન્સથી જર્મની પહોંચ્યા હતા. અહીં હેનોવરમાં અને બર્લિનમાં તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. બર્લિનની સડકો પર ભારતીય સમુદાય ઊમટી પડ્યો હતો. હેનોવોરના મેસી ખાતે જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ સાથે ઇન્ડિયન પેવેલિયનનું ઉદઘાટન કરતાં મોદીએ જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વને ભારતની ડેમોગ્રાફી, ડેમોક્રસી અને ડિમાન્ડ આકર્ષી રહ્યાં છે. ઉત્પાદનની ઓછી કિંમત, કાર્યક્ષમ શાસન અને ખામીરહિત ઉત્પાદન ભારતને મેન્યુફેક્ચરિંગ સેન્ટરમાં ગ્લોબલ એન્જિન બનાવી રહ્યું છે.
ભારત હેનોવર ફેરમાં ભાગીદાર દેશ બન્યો છે. ફેરમાં ૪૦૦ ભારતીય કંપનીઓ, ૧૨૦ ભારતીય સીઈઓ અને ૩૦૦૦થી વધુ જર્મન બિઝનેસ પ્રતિનિધિઓ ભાગ લઇ રહ્યા છે.
ઇન્ડો-જર્મન બિઝનેસ સમિટને સંબોધન કરતાં વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ભારત દેશ હવે બદલાઈ ગયો છે. અમે રોકાણકારોને હતાશ કરનાર કરમાળખાઓને દૂર કરી દીધાં છે. અમારું કરમાળખું વધુ પારદર્શક અને સ્થિર છે.
ભાગીદારી માટે તત્પરઃ મોર્કેલ
જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલે જણાવ્યું હતું કે ભારત યુવાનોનો દેશ છે. તેઓ પોતાના દેશને વિકસિત જોવા ઇચ્છે છે, લોકશાહી સંશોધનની ક્ષમતા અને સમૃદ્ધિ જોતાં ભારતનું ભાવી ઉજ્જવળ છે. જર્મની ભારત સાથે સશક્ત ભાગીદારી ઇચ્છે છે.
ચાય પે ચર્ચા
હેનોવર ટ્રેડ ફેર ખાતે ઇન્ડિયન પેવેલિયનમાં મોદીએ જર્મન ચાન્સેલર મર્કેલને ચા-નાસ્તાની ઓફર કરી હતી. મોદીએ મર્કેલ સમક્ષ ‘મેક ઇન ઇન્ડિયા’ની પ્રભાવક રજૂઆત કરી હતી. ત્યારબાદ બંને નેતાઓને સંયુક્ત નિવેદન જારી કર્યું હતું.
ભારતના ૪૫ સેલિબ્રિટી રસોઈયાઓએ મર્કેલને મેંગો લસ્સી પીરસી હતી. મોદી માટે ખાંડવી, ઢોકળા અને ખાખરા નાસ્તા માટે તૈયાર કરાયાં હતાં. બંને નેતાઓએ ચાની ચૂસકી માણી હતી.
મોદીની મર્કેલને ભેટ
વડા પ્રધાન મોદીએ મર્કેલને ‘મેક ઇન ઇન્ડિયા’ના પ્રતીક સિંહની પ્રતિકૃતિ ભેટમાં આપી હતી. બાદમાં મોદીએ સિંહના પ્રતીક અંગે જણાવ્યું હતું કે ‘મેક ઇન ઇન્ડિયા’ માટે સિંહનું પ્રતીક ઘણી કાળજીથી પસંદ કરાયું છે. અમે જાણીએ છીએ કે અમારે ૬૫ ટકા વસતી માટે રોજગારનું સર્જન કરવાની મેક ઇન ઇન્ડિયાની તાતી જરૂર છે, તેથી તેનું પ્રતીક સિંહ રખાયું છે કારણ કે સિંહને ક્યારેય અટકાવી શકાતો નથી. મોદીએ હેનોવરના મેયર સ્ટિવન શોસ્ટોકને મધુબની પેઇન્ટિંગ ભેટમાં આપ્યું હતું. આ ચિત્ર નેશનલ એવોર્ડ વિજેતા ૭૦ વર્ષીય બૌઆ દેવી દ્વારા તૈયાર કરાયું છે.
અખબારમાં મોદીનો લેખ
જર્મન અખબારમાં લખેલા એક લેખમાં વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ભારતે લોકશાહી અને અર્થતંત્રની ક્ષમતાઓ પર વિશ્વવ્યાપી વિકાસનું એન્જિન બનવું જોઈએ. ત્રણ દાયકામાં પહેલી વાર ભારતમાં કોઈ પાર્ટીને સ્પષ્ટ બહુમતી પ્રાપ્ત થઈ છે. ભારત સરકાર સ્પષ્ટ આર્થિક લક્ષ્યાંકો સાથે નવા યુગના ભારતનાં નિર્માણ માટે નીતિઓ અમલી બનાવી રહી છે.
બર્લિનના શોનફેલ્ડ એરપોર્ટ પર બોંબની ધમકીને પગલે એરપોર્ટ ખાલી કરાવી દેવાયું હતું. પ્રવાસીઓને ટર્મિનલ ખાલી કરી મોટી સંખ્યામાં સુરક્ષાજવાનો એરપોર્ટ ખાતે ખડકાયા હતા.