મ્યુનિચઃ જર્મનીનાં મ્યુનિચ શહેરનાં એક શોપિંગ સેન્ટરમાં ૨૨મી જુલાઈએ સાંજના સમયે ગોળીબાર થતાં પોલીસ સાવધ થઈ ગઈ છે. ગોળીબારમાં ૯ લોકોનાં મૃત્યુ અને ૩૫ને ઇજા થયાના અહેવાલ છે. આંતરિક સુરક્ષા પ્રધાન જોચીમ હરમાને જણાવ્યું હતું કે, ગોળીબારમાં ત્રણ શકમંદોની સંડોવણી હોવાની શંકા સેવાઈ રહી છે. તેઓ ગોળીબાર કરીને ભાગ્યા હતા.
સત્તાવાળાઓએ લોકોને જાહેર વિસ્તારો છોડીને ઘેર પાછા ફરવા સૂચના આપી હતી. વિશેષ સશસ્ત્ર પોલીસે વિસ્તારની નાકાબંદી કરીને શોધઅભિયાન શરૂ કર્યું હતું. શોપિંગ મોલના કર્મચારીઓ પણ ગોળીબારના અવાજ સાંભળીને સલામત સ્થળે સંતાઈ ગયા હતા. શોપિંગ સેન્ટરમાં સંખ્યાબંધ ગોળીબાર થયાના અવાજ સંભાળાયા હતા. શોપિંગ સેન્ટરમાંથી ભાગીને બહાર આવેલાં લોકો પાસેથી માહિતી એકત્ર કરવા પોલીસ પ્રયાસ કરી રહી હતી. મ્યુનિચના સત્તાવાળાઓએ બસ, ટ્રામ અને ટ્રેન સેવા સ્થગિત કરી દીધી હતી. જર્મનીમાં એક કિશોરે રિજિયોનલ ટ્રેનમાં કુહાડી અને છરા સાથે હમલો કર્યાના ગણતરીના દિવસમાં જ ગોળીબારની આ ઘટના ઘટી છે. તે ઘટનામાં પાંચને ઈજા પહોંચી હતી. પોલીસને મેટ્રો સ્ટેશન ખાતે ગોળીબાર થયાના ખબર પણ મળ્યા હતાં, પરંતુ અહેવાલો ખોટા સાબિત થયા હતાં.