બર્લિંન: વડા પ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના યુરોપ પ્રવાસના પહેલા તબક્કામાં જર્મની પહોંચ્યા હતા, જ્યાં ભારતીય મૂળના લોકોએ તેમનું ઉમળકામભેર સ્વાગત કર્યું હતું. બર્લિનમાં મોદી ભારતીય સમુદાયના લોકોને મળ્યા હતા જ્યારે તેઓ એક ભારતીય બાળકના દેશભક્તિના ગીતથી ખુશ થઈ ગયા હતા.
એક બાળકે વડા પ્રધાનને દેશભક્તિની કવિતા સંભળાવી હતી. બાળક કવિતા સંભળાવી રહ્યો હતો. ત્યારે પીએમએ ચપટી વગાડીને તાલ મેળવ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે.
ખુદ વડા પ્રધાન મોદીના ટિ્વટર હેન્ડલ ઉપરથી પણ આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. ભારતીય મુળના બાળક પાસેથી પીએમ મોદીએ ‘હે જન્મભૂમિ ભારત, હે કર્મભૂમિ ભારત, હે વંદનીય ભારત’ કવિતા સાંભળી હતી.
મોદી બર્લિન પહોંચ્યા ત્યારે પહેલાંથી જ હાજર ભારતીય દ્વારા વંદે માતરમ્ અને ભારત માતા કી જયના નારા સાથે તેમનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીને મળવા માટે કેટલાક બાળકો પણ આવ્યા હતા. આ દરમિયાન એક નાની બાળકી અનન્યા મિશ્રાએ પોતે બનાવેલું પીએમ મોદીનું ચિત્ર ભેટ આપ્યું હતું. મોદીએ તેની સાથે કેટલીક વાતો પણ કરી હતી.