બર્લિન: જર્મન સાસંદોની બનેલી ફેડરલ સમિતિ બુન્ડેસરાતે વર્ષ ૨૦૩૦થી પછીથી જર્મનીમાં કોઈ પેટ્રોલ કે ડીઝલ કાર ઉત્પાદ પર પ્રતિબંધ મૂકવાનું નક્કી કર્યું છે. જો આ નિર્ણય કાયદો બનશે તો જર્મન પ્રજા ૨૦૩૦ પછી માત્ર ઈલેક્ટ્રિક કે હાઈડ્રોજન ધરાવતી કારની જ ખરીદી કરી શકશે. બુન્ડેસરાત એ જર્મન સાંસદોની સમિતિ છે, જેનું કાયદા બનાવવામાં મહત્ત્વ છે. જેમ ભારતમાં રાજ્યસભાની સહમતિ વગર ખરડો સંસદમાં પાસ ન થઈ શકે એમ જર્મનીમાં બુન્ડેસરાતની મંજૂરી વગર કાયદા બની શકતા નથી.
બુન્ડેસરાતે આ ખરડો પસાર કર્યો છે. બુન્ડેસરાતમાં જર્મનીના કુલ ૬૯ સાંસદો હોય છે. તેમણે બહુમતિથી આ નિર્ણય લીધો છે. જર્મન સાસંદો હવે આ જ નિર્ણય યુરોપિયન યુનિયનના બીજા દેશો પણ સ્વીકારે એવી અપીલ કરશે. અલબત્ત જર્મનીએ હજુ કાયદો બનાવ્યો નથી, પરંતુ બુન્ડેસરાતના આગ્રહ પછી બનાવે એવી શક્યતા પ્રબળ બની છે.