ફ્લોરિડા: કાગડા બધે કાળા જ હોય તેમ સરકાર અને લોકોની ભલમનસાઈનો ગેરલાભ ઉઠાવનારા પણ બધા જ દેશોમાં હોય છે. અમેરિકાના ફ્લોરિડામાં રહેતો ૨૯ વર્ષનો યુવાન ડેવિડ હિન્સનો બિઝનેસ કોરોનાની મહામારીના કારણે સાવ ભાંગી પડ્યો હતો. આ દરમિયાન સરકારે વેપારીઓની મદદ માટે યોજના જાહેર કરી. ડેવિડે પણ અરજી કરતાં સરકારે તેને ફરી વેપાર શરૂ કરવા ફેડરલ પે-ચેક પ્રોટેક્શન પ્રોગ્રામ હેઠળ ચાર મિલિયન ડોલરની આર્થિક સહાય આપી હતી. જોકે ડેવિડે આ નાણાં બીજે જ વાપર્યા.
કોરોનાની મહામારીમાં વેપારમાં નુકસાન ભોગવનારાઓ માટે શરૂ કરાયેલી આ યોજનાનો લાભ લઈને માત્ર એક જ સપ્તાહમાં ડેવિડે ૩.૧૮ લાખ ડોલરની લેમ્બોર્ગિનીની લક્ઝુરિયસ હુરાકેમ ઈવો કાર ખરીદીને મિયામી બીચ વિસ્તારમાં આંટાફેરા શરૂ કર્યા હતા. સત્તાવાળાઓને આ વાતની જાણ થતાં જ તેની ધરપકડ કરી હતી.
તપાસમાં જાણવા મળ્યું હતું કે ડેવિડે સરકારી સહાયમાંથી કંપનીના કર્મચારીઓને બાકી પગાર ચૂકવવાને બદલે લોનના લાખો ડોલર ખરીદીમાં, કાર ખરીદવામાં, વૈભવી હોટેલોમાં રહેવા અને અત્યંત વૈભવશાળી જીવન માણવામાં ઊડાવી દીધા હતા. અમેરિકાના ન્યાય વિભાગે જાહેરાત કરી હતી કે તેમણે ડેવિડ હિન્સની બોગસ દસ્તાવેજો બનાવવા, છેતરપિંડી કરવા અને ગેરકાયદે પૈસા લેવા બેન્ક સાથે ફ્રોડ કરવા બદલ ધરપકડ કરી છે. હિન્સે દાવો કર્યો હતો કે વર્ષ ૨૦૨૦માં તેની કંપનીએ પ્રથમ ત્રિમાસિક સપ્તાહમાં લાખ્ખો ડોલર પગાર પેટે ખર્ચ્યા હતા. કોરોના કારણે અમેરિકાના અર્થતંત્રમાં ભારે મંદી આવતા વેપાર-ધંધાને ફરી બેઠાં કરવા સરકારે મદદની ઓફર કરી હતી.
માર્ચમાં પ્રમુખે શરૂ કરેલા કેર્સ એક્ટ અંતર્ગત સરકારે બે ટ્રિલિયન ડોલર ફાળવ્યા હતા જેમાં ૩૪૯ બિલિયન ડોલરની પરત નહીં કરવાની લોનની રકમનો પણ સમાવેશ થતો હતો. આ લોન નાના વેપારીઓને તેમના કર્મચારીઓના પગાર, અન્ય ખર્ચાઓ અને વેપારને ચાલુ રાખવા માટે અપાઈ હતી.