નાઈરોબીઃ આપણને બધાને રંગબેરંગી પતંગિયા નિહાળવાની કે કદીક તેનો સ્પર્શ કરવાની ઈચ્છા રહે છે પરંતુ, કેન્યાના 74 વર્ષીય સ્ટીવ કોલિન્સની વાત નિરાળી છે. છ દાયકા કરતા વધુ સમયથી બાળપણમાં પાંચ વર્ષની વયે શરૂ થયેલો શોખ હવે આફ્રિકામાં પતંગિયાના સૌથી મોટા સંગ્રહમાં પરિણમ્યો છે. કૃષિવિજ્ઞાની કોલિન્સ પાસે સેંકડો પ્રજાતિના 4.2 મિલિયનથી વધુ પતંગિયાનો વિશાળ સંગ્રહ છે. આ સંગ્રહમાં સૌથી મૂલ્યવાન પતંગિયું 8,000 ડોલરનું છે.
કોલિન્સે 1997માં પતંગિયાઓ વિશે સંશોધનો કરવા આફ્રિકન બટરફ્લાય રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી હતી. તેની 1.5 એકરની જમીન પર સેંકડો સ્વદેશી વૃક્ષો અને પુષ્પોથી છવાયેલી વનસ્પતિ છે જે તેને જંગલ બનાવે છે. સેંકડો પતંગિયા એક ફૂલથી બીજા ફૂલ પર નાચતાં જોવા મળે છે. કોલિન્સનો સંગ્રહ પ્રાઈવેટ છે પરંતુ, 1998થી 2003ના ગાળામાં એજ્યુકેશન સેન્ટર તરીકે જાહેર જનતા માટે ખુલ્લું મૂકાયું હતું.
સંગ્રહના જતન માટે વિશેષ કાળજી
કોલિન્સના સંગ્રહમાં આફ્રિકામાં જોવાં મળતાં 1.2 મિલિયન પતંગિયા ફ્રેમ્સમાં જડીને સંખ્યાબંધ અભરાઈઓ પર ગોઠવાયેલાં છે. અન્ય 3 મિલિયન પતંગિયા એન્વેલપ્સમાં મૂકાયેલાં છે. પ્રકાશ ન હોય તેવી જગ્યાઓમાં રાખવા ઉપરાંત, અન્ય જંતુઓ, પેરેસાઈટ્સ કે પ્રાણીઓ તેને ખરાબ ન કરે તેની કાળજી પણ લેવી પડે છે. તેમને સુરક્ષિત રાખવા વર્ષમાં એક વખત કીટનાશકોનો ઉપયોગ કરવામાં આવે છે. હવે કોલિન્સ પાસે સંશોધન જાળવી રાખવા પૂરતો સમય અને ભંડોળ ન હોવાથી આ સંગ્રહ બરાબર કાળજી અને ધ્યાન રાખી શકે તેવી વ્યક્તિ કે રિસર્ચ સંસ્થાને સોંપવા ઈચ્છે છે. કોલિન્સની ઈન્સ્ટિટ્યૂટનું વાર્ષિક બજેટ2009માં જ 200,000 ડોલર હતું. કોલિન્સ અંદાજ અનુસાર પતંગિયાના નમૂનાઓ અને અન્ય સંપત્તિનું મૂલ્ય 8 મિલિયન ડોલર જેટલું છે. જોકે, કોલિન્સે અત્યાર સુધી મોટા પાયે જાળવણીનું જે કાર્ય કર્યું છે તેનું મૂલ્ય આંકી શકાય તેમ નથી.