નવી દિલ્હીઃ જાપાન અનોખા પ્રયોગો દ્વારા દુનિયાને અચંબામાં મૂકતું રહ્યું છે. જાપાનના વૈજ્ઞાનિકોએ ફરી એક વાર એવું કાર્ય કર્યું છે જેને જોઈને વિશ્વ આશ્ચર્યચકિત છે. જાપાની વિજ્ઞાનીઓએ દુનિયાનો પહેલો લાકડાનો સેટેલાઈટ બનાવ્યો છે, જેને ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે.
આ અનોખા ઉપગ્રહને ‘લિગ્નોસેટ’ નામ અપાયું છે. ‘લિગ્નોસેટ’ મેગ્નોલિયા લાકડામાંથી બનાવાયો છે, જે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઇએસએસ) પર કરાયેલા પ્રયોગમાં સ્થિર અને તિરાડ પ્રતિરોધક જણાયો છે. જાપાન હવે ઉનાળામાં અમેરિકન રોકેટ દ્વારા તેને લોન્ચ કરવાની પ્રક્રિયાને અંતિમ રૂપ આપી રહ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર, સેટેલાઈટનું નિર્માણ ક્યોટો યુનિવર્સિટી અને લોગિંગ કંપની સુમિતોમો વાનિકીના વિજ્ઞાનીઓએ કર્યું છે. તેમનો હેતુ લાકડા જેવી બાયોડિગ્રેડેબલ સામગ્રીનો ઉપયોગ અંતરિક્ષ માટે કઈ રીતે કરી શકાય તે જાણવાનો હતો.
આઇએસએસ પર નમૂના મોકલાયા
બાદમાં લાકડાના નમૂના ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઇએસએસ) ખાતે મોકલવામાં આવ્યા હતા. ત્યાં એક વર્ષ સુધી તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. વિજ્ઞાનીઓ પરિણામો જોઈને આશ્ચર્યમાં મુકાયા હતા કે લાકડાને કશું નુકસાન નહોતું થયું. વિજ્ઞાનીઓએ માન્યું કે એવું એટલા માટે થયું કેમ કે અંતરિક્ષમાં કોઈ ઓક્સિજન નથી, જે લાકડાને સળગાવી શકે. તે કોઈ જીવિત વસ્તુ પણ નથી કે સડી જાય. વિજ્ઞાનીઓને આશા છે કે આ પ્રોજેક્ટની સફળતા ભવિષ્ય માટે દ્વાર ખોલશે.