નાઈરોબીઃ જાપાનના વડા પ્રધાન ફુમિઓ કિશિદા 3 મે, બુધવારે કેન્યાની મુલાકાતે આવ્યા હતા અને પ્રમુખ વિલિયમ રુટો સાથે યુક્રેન પર રશિયાના આક્રમણ અને સુદાન કટોકટી સહિતના મુદ્દાઓની ચર્ચા કરી હતી. કિશિદાએ આફ્રિકાના વિસ્તારમાં સ્થિરતા જાળવવામાં યોગદાન આપવા ઉપરાંત, કેન્યા સાથે વેપારી અને આર્થિક સંબંધો મજબૂત બનાવવાની સાથે ડીકાર્બોનાઈઝેશન, માળખાકીય વિકાસમાં સહકારની તેમના દેશની ઈચ્છાનો પુનરુચ્ચાર કર્યો હતો.
જાપાનના વડા પ્રધાન કિશિદાએ જણાવ્યું હતું કે જાપાન G7નું પ્રમુખપદ ધરાવે છે ત્યારે આફ્રિકન દેશોનો અવાજ પ્રત્યક્ષ સાંભળવા માગે છે. આ મહિને હિરોશીમા શિખર પરિષદની ચર્ચામાં આફ્રિકન અવાજનું પ્રતિબિંબ દર્શાવાય તેની ચોકસાઈ જાપાન રાખશે. પ્રમુખ વિલિયમ રુટોએ જાપાન અને કેન્યાના પારસ્પરિક હિતોને સંબંધિત વિવિધ વિષયોમાં નોંધપાત્ર પ્રગતિ સર્જાશે તેવી આશા વ્યક્ત કરી હતી. વડા પ્રધાન કિશિદાએ કેન્યાના મોમ્બાસા પોર્ટના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં સહાય આપવાનું ચાલુ રાખવા ખાતરી આપી હતી. ઓગસ્ટ 2016 પછી કોઈ જાપાનીઝ વડા પ્રધાન દ્વારા કેન્યાની આ પ્રથમ મુલાકાત હતી.